Mon Oct 05 2026

Logo

કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી: દોઢ ઇંચ સુધી વરસાદ, બે દિવસ યલો એલર્ટ

2026-09-14 11:55:00
Author: Mumbai Samachar Team
કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી: દોઢ ઇંચ સુધી વરસાદ, બે દિવસ યલો એલર્ટ

ભુજઃ બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણ સહિત ચાર સક્રિય હવામાન પ્રણાલીઓના પ્રભાવ હેઠળ કચ્છ પંથકમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ભાદરવા માસના પ્રારંભે આકરા તાપ અને અસહ્ય ઉકળાટ વચ્ચે રવિવારે જિલ્લાભરમાં હળવા ઝાપટાંથી લઈને દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતાં અછતના ભણકારા વચ્ચે સુકાતા પાક અને ઘાસચારાને જીવતદાન મળ્યું છે. હવામાન વિભાગે સોમ અને મંગળવારે સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ અંગે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.

નખત્રાણા તાલુકામાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના આરંભે ગાજવીજ સાથે અડધાથી પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલુકાના ઉગેડી, દેશલપર, આમારા, મોરાય, રતડિયા, રસલિયા, ખોંભડી, ટોડિયા અને નેત્રા પટ્ટીમાં નોંધપાત્ર પાણી વહી નીકળ્યા હતા. નેત્રા, લક્ષ્મીપર, બાડિયા, બાડિયારા અને લુડવા પંથકમાં એક કલાકમાં મુશળધાર દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે મોટી વિરાણી, સુખપર અને રવાપરમાં પણ જોરદાર ઝાપટાં પડ્યા હતા.

દરિયાકાંઠાના માંડવી પંથકમાં મોડી સાંજે હળવા ઝાપટાં વરસ્યા હતા. શહેર નિયંત્રણ કક્ષ અનુસાર માંડવીમાં ૬ મિ.મી. વરસાદ સાથે મોસમનો કુલ આંક ૮૧ મિ.મી. નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં દહીંસરા, ધુણઈ, પુનડી, લક્કીવાળી ચાડી, ગુંદિયાળી, મસ્કા અને ત્રગડી પંથકમાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. વરસાદથી મગફળી અને એરંડાના પાકને રાહત થઈ છે, જોકે પાછોતરા વરસાદથી કપાસના પાકને આંશિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

બંદરીય મુંદરા શહેરમાં ગણેશોત્સવની પૂર્વસંધ્યાએ સાંજે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડતાં બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અબડાસાના નલિયા, કોઠારા, ઐડા અને રામપર અબડા તેમજ લખપતના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે સાંજે ગાજવીજ સાથે ૨૦ મિનિટ સુધી અમીછાંટણા થયા હતા. 

વાગડ વિસ્તારમાં આખો શ્રાવણ માસ કોરો ગયા બાદ રાપર, આડેસર, ફતેહગઢ, બેલા અને રવ પંથકમાં ઝરમર વરસાદે હાજરી પુરાવી હતી. પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામમાં પણ બપોર બાદ આકાશ વાદળોથી ઘેરાયું હતું અને છૂટાછવાયા ઝાપટાં વરસ્યા હતા. જિલ્લા મથક ભુજમાં તાપમાન ૩૭ ડિગ્રી વટાવી જતાં ભારે અકળામણ રહી હતી, જોકે સાંજ સુધીમાં આકાશ વાદળછાયું બનતાં ખેડૂતો અને માલધારીઓમાં આગામી દિવસોમાં સાર્વત્રિક મેઘમહેરની આશા પ્રબળ બની છે. 

(ઉત્સવ વૈદ્ય)