Wed Sep 02 2026

Logo

સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ: કચ્છમાં HPV રસીકરણ અભિયાન શરૂ, 21,000 કિશોરીને વેક્સિન અપાશે

2026-02-27 16:55:45
Author: Mumbai Samachar Team
સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ: કચ્છમાં HPV રસીકરણ અભિયાન શરૂ, 21,000 કિશોરીને વેક્સિન અપાશે

ભુજઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી શનિવારના રાજસ્થાનના અજમેર ખાતે ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી HPV રસીનો દેશવ્યાપી આરંભ કરવામાં આવી રહ્યો છે, જેથી હવે કચ્છમાં પણ કિશોરીઓને ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મળી રહે તેના માટે અક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે, અંદાજિત 21000 જેટલી 14 વર્ષની કન્યાઓને HPV વેક્સિન આપવામાં આવશે.

કેન્સર વિરોધી HPV રસીનો દેશવ્યાપી આરંભ

અત્રે ઉલ્લેખનીય છે કે , HPV રસીકરણ અભિયાન અને સાવચેતી અંતર્ગત અસરકારક એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં સર્વે કર્યા બાદ યાદી તૈયાર કરાશે. ટેકો+ અને CTS મુજબના અંદાજિત લક્ષ્યાંકના હેડ કાઉન્ટ સાથે વેરિફિકેશન કરવામાં આવશે. શાળા બહારની કિશોરીઓનું રસીકરણ 3 મહિના સુધી સંબંધિત કોલ્ડ ચેઈન પોઈન્ટ પર કરવામાં આવશે. શિક્ષણ વિભાગ સાથે સંકલન - નોડલ શિક્ષક દ્વારા પાત્ર કિશોરીઓની યાદી આરોગ્ય વિભાગને આપવામાં આવશે. 

રસીકરણની કામગીરી અંગે બેઠકનું આયોજન

આ સાથે ખાનગી શાળાઓને પૂર્વ સૂચના આપી આ અભિયાનમાં જોડવામાં આવશે. દરેક શાળામાં વાલીઓ અને શિક્ષકો વચ્ચે આ રસીકરણની કામગીરી અંગે બેઠકનું આયોજન કરાશે. કચ્છમાં ‘સ્વસ્થ દીકરી-સુરક્ષિત ભવિષ્ય’ અંતર્ગત 14 વર્ષની દીકરીઓને HPV રસી અપાવી સર્વાઈકલ કેન્સરથી સુરક્ષિત કરવા વાલીઓ, શાળા સંચાલકો અને સમાજના આગેવાનોને સહકાર આપવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)