ભુજ: કચ્છમાં આજે ભાદરવા સુદ ચોથના પાવન અવસરે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ‘ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા’ના ગગનભેદી નારા અને ઢોલ-નગારાના તાલે ભુજ શહેર સહિત સમગ્ર જિલ્લાના વિવિધ મંડળો અને પંડાલોમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીની પ્રતિમાઓની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરવામાં આવી છે.
જિલ્લા મથક ભુજ ખાતે ટીનસિટી ગ્રાઉન્ડમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ૨૬મા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ આયોજનમાં રતડિયા આશાપુરા મંદિરના મહામંડલેશ્વર 1008 કલ્યાણાનંદગિરિજી મહારાજના આશીર્વચન સાથે આજે રાત્રે મહાઆરતી યોજાશે. મહોત્સવ દરમિયાન મહિલાઓ માટે રાસ-ગરબા, હાઉઝી ગેમ; 19મીએ રાજ ગઢવીના સંગાથે લોકડાયરો; 20મીએ નંદલાલ છાંગા સાથે ભજન જેમિંગ અને અંગદાન જાગૃતિ ઝુંબેશનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, રાજ્યપ્રધાનોમાં ત્રિકમ છાંગા, પ્રવીણ માલી, ડો. જયરામ ગામિત, સાંસદ વિનોદ ચાવડા, મયંક નાયક, મુકેશ રાઠવા, ધારાસભ્યોમાં અનિરુદ્ધ દવે, કેશુભાઈ પટેલ, વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી અને ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
ભુજના વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે પાતાળેશ્વર યુવક મંડળ દ્વારા 18મો ગણેશોત્સવ મહારુદ્રાણી જાગીરના મહંત લાલગિરિ બાપુની ઉપસ્થિતિમાં શરૂ થયો છે, જ્યાં તારીખ 18મીએ રાજેશ ગઢવી અને ગોપાલ સાધુના સથવારે સંતવાણી, 19મીએ સત્યનારાયણ કથા અને 20મીએ વિસર્જન યોજાશે. ભુજના ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં 16મી સુધી પૂજા-અર્ચના અને ગરબાનું આયોજન કરાયું છે. માધાપર રોડ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરે મહારાષ્ટ્ર સ્નેહ સંવર્ધક મંડળ દ્વારા 75મો અમૃત મહોત્સવી ગણેશોત્સવ તારીખ 25મી અનંત ચતુર્દશી સુધી દબદબાભેર ઊજવાશે.
ગ્રામ્ય અને તાલુકા મથકોએ પણ ગણેશ ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંદરાની વૈભવ પાર્ક સોસાયટીમાં પાંચ દિવસીય ઉત્સવ નિમિત્તે છપ્પન ભોગ, સુંદરકાંડ અને રાસ-ગરબા યોજાશે. ભચાઉના નવાગામ સ્વામિનારાયણ મંદિરે ભુજ મંદિરના સંતો મહંત સ્વામી ધર્મનંદન સ્વામી, ભગવતજીવનદાસ સ્વામી સહિતના સંતોની નિશ્રામાં મંત્રજાપ યોજાયા હતા, જેમાં મુંબઈથી પણ હરિભક્તો જોડાયા હતા.
નખત્રાણામાં લોહાણા મહાજન દ્વારા પ્રથમ ગણેશ મહોત્સવ પ્રસંગે દરિયાસ્થાન મંદિરથી શોભાયાત્રા કાઢી મૂર્તિ સ્થાપન કરાયું હતું. લખપતના દયાપર ખાતે જય માતાજી મિત્ર મંડળ દ્વારા 26મા પંચદિવસીય મહોત્સવમાં હાસ્ય દરબાર, દાંડિયારાસ, નીલેશ ગઢવી-રાજેશ ગઢવીની સંતવાણી અને અન્નકૂટ દર્શન સહિતના વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સમગ્ર કચ્છ જિલ્લો હાલ ગણેશમય બનીને ભક્તિના રંગે રંગાયો છે.
(ઉત્સવ વૈદ્ય)