Sun Sep 13 2026

Logo

૧૫મી ઓગસ્ટ પૂર્વે કચ્છના દરિયામાં મરીન કમાન્ડોનું સઘન ચેકિંગ: માછીમારોને સતર્ક રહેવા સૂચના

2026-08-04 10:57:00
Author: Mayur Patel
૧૫મી ઓગસ્ટ પૂર્વે કચ્છના દરિયામાં મરીન કમાન્ડોનું સઘન ચેકિંગ: માછીમારોને સતર્ક રહેવા સૂચના

Ai Image


ભુજઃ સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને ગુજરાતના દરિયાઈ વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યમાં સંભવિત ઘૂસણખોરી કે અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા, ડીઆઈજીપી એ. એમ. મુનિયા તેમજ એસપી એસ. જે. પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતના તટીય વિસ્તારોમાં એક ખાસ સુરક્ષા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશેષ ઝુંબેશના ભાગરૂપે કચ્છ સરહદે મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ પટ્ટામાં અત્યંત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મરીન ટાસ્ક ફોર્સના જખૌ સેક્ટર દ્વારા ડીવાયએસપી આર. એમ. ચૌધરીના પ્રત્યક્ષ નેતૃત્વ હેઠળ મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો બનાવીને ખાસ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન છછી લાઈટ હાઉસથી લઈને સાંધાણ અને સુથરી સુધીના વિસ્તૃત દરિયાઈ તટીય પટ્ટામાં કડક પેટ્રોલિંગ અને બારીક તપાસ કરવામાં આવી હતી.

દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવાના હેતુથી સ્થાનિક માછીમારો સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. મરીન કમાન્ડોની ટીમ દ્વારા માછીમારોને દરિયામાં કે કિનારા નજીક કોઈપણ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ અથવા શંકાસ્પદ બોટ જણાતા તુરંત સુરક્ષા એજન્સીઓને જાણ કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, હાલમાં ચોમાસાના કારણે દરિયો તોફાની હોવાથી માછીમારોને પોતાની સલામતી પ્રત્યે વિશેષ સતર્ક અને સાવચેત રહેવા જણાવાયું હતું.

(ઉત્સવ વૈદ્ય)