Mon Aug 31 2026

Logo

કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFનો વિજય: રાહુલ ગાંધીએ કાર્યકરોને આપ્યા અભિનંદન

2026-05-04 19:02:14
Author: Mumbai Samachar Team
કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDFનો વિજય: રાહુલ ગાંધીએ કાર્યકરોને આપ્યા અભિનંદન

નવી દિલ્હીઃ કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનને મોટી જીત મળતાં પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ આજે યુડીએફના નેતાઓ અને કાર્યકરોને શાનદાર જીત બદલ અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે રાજ્યમાં હવે એવી સરકાર છે જેનું વિઝન પ્રતિભા અને ક્ષમતા બંનેનો યોગ્ય ઉપયોગ કરવાનો છે.

ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર કેરળમાં યુડીએફ 95થી વધુ બેઠક પર આગળ છે અથવા જીતી ચૂકી છે અને 140 સભ્યોની કેરળ વિધાનસભામાં સરળતાથી બહુમત હાંસલ કરવા માટે તૈયાર છે. રાજ્યમાં 10 વર્ષના એલડીએફના શાસન પછી કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે.

‘એક્સ’ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "કેરળના મારા ભાઈઓ અને બહેનો, આ નિર્ણાયક જનાદેશ માટે આભાર. યુડીએફના દરેક નેતા અને કાર્યકર્તાઓએ સખત મહેનત અને શાનદાર રીતે કરેલા ચૂંટણી પ્રચાર માટે અભિનંદન."

તેમણે કહ્યું હતું કે "મેં પહેલા કહ્યું તેમ કેરળમાં પ્રતિભા છે, કેરળમાં ક્ષમતા છે અને હવે કેરળમાં યુડીએફની એવી સરકાર છે જેનું વિઝન બંનેનો ઉપયોગ કરવાનું છે. હું ટૂંક સમયમાં મારા કેરળ પરિવારને મળવા માટે આતુર છું."