તિરુવનંતપુરમ: વિધાનસભાની ચૂંટણી 2026 માટે 9 એપ્રિલના રોજ મતદાન થયું હતું, જેના પરિણામ આજે જાહેર કરવામાં આવી રહ્યા છે. મત ગણતરી શરૂ થયાના માત્ર બે કલાકમાં જ રાજ્યમાં મોટા રાજકીય પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(UDF)એ ભારે લીડ મેળવી લીધી છે, UDF રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે
કેરલની કુલ 140 વિધાનસભા બેઠકોમાં 90 થી વધુ બેઠકો પર UDF આગળ ચાલી રહી છે. જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડીયા માર્ક્સીસ્ટ (CPIM) ની આગેવાની હેઠળનું ગઠબંધન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ(LDF) 50 થી ઓછી બેઠકો પર આગળ છે અને ભાજપના નેતૃત્વ હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA) લગભગ 5 બેઠકો પર આગળ હતી.
ચૂંટણી પંચની વેબસાઈટ પરના આંકડા મુજબ કેરલ વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસ 50 બેઠકો પર આગળ હતી, સીપીઆઈ(એમ) 31 બેઠકો પર, આઈયુએમએલ 17 બેઠકો પર, સીપીઆઈ 13 બેઠકો પર, કેરળ કોંગ્રેસ (એમ) 4 બેઠકો પર આગળ હતી, અને ભાજપ, કેરળ કોંગ્રેસ (કેઈસી) અને રિવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (આરએસપી) 3-3 બેઠકો પર આગળ હતી.
ચૂંટણી પંચના તાજેતરના વલણો અંગે પૂછવામાં આવતા રાજ્ય કોંગ્રેસના પ્રમુખ સની જોસેફે જણાવ્યું કે , " લોક વિરોધી નીતિઓને કારણે LDF ગઠબંધન હારી રહ્યું છે."
રાજ્યના મુખ્ય પ્રધાન ચહેરા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે સંપૂર્ણ પરિણામ જાહેર થઇ ગયા બાદ બેઠકો દરમિયાન આ અંગે નિર્ણય લેવામાં આવશે.