Sun May 03 2026

Logo

જૂનાગઢમાં વરઘોડાની તૈયારી કરતો હતો યુવાનને આવ્યો બ્રેન સ્ટ્રોક, ઘટનાસ્થળે જ ઢળી પડ્યો! જુઓ વાયરલ Video

2026-05-03 15:11:00
Author: Devayat Khatana
Article Image

જૂનાગઢ: વર્તમાન સમયમાં આજના યુવાનોમાં હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું વધતું પ્રમાણ અત્યંત ચિંતાનો વિષય બન્યું છે. હસતા-રમતા અને શારીરિક રીતે એકદમ તંદુરસ્ત દેખાતા જુવાનજોધ દીકરા-દીકરીઓ અચાનક જ કાળનો કોળિયો બની રહ્યા છે, જે સમાજ માટે લાલબત્તી સમાન છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના જૂનાગઢમાં બની છે, જ્યાં એક લોકપ્રિય અને આશાસ્પદ યુવા અશ્વપાલક કરણ પરમારનું લગ્નના વરઘોડાની તૈયારી દરમિયાન અચાનક ઢળી પડવાથી મોત નિપજ્યું હતું. 

મળતી વિગતો અનુસાર, મૃતક યુવાન કરણ પરમાર એક લગ્ન પ્રસંગમાં વરરાજાના ફુલેકા માટે પોતાની પ્રિય ઘોડીને તૈયાર કરી રહ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કરણ ઉત્સાહથી ઘોડીને દોરીને નચાવી રહ્યો હતો, ત્યારે જ અચાનક તેને બ્રેન સ્ટ્રોક આવતા તે ગણતરીની સેકન્ડોમાં જમીન પર ઢળી પડ્યો હતો. 

આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો તરત જ તેની મદદ માટે દોડી આવ્યા હતા અને વિલંબ કર્યા વિના તેને નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, કમનસીબે સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. લગ્નનો હરખ અને ઉત્સાહ પળવારમાં માતમના માહોલમાં ફેરવાઈ ગયો હતો.
 

ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન કરણ માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ અમરેલી અને ગીર સોમનાથ પંથકમાં પણ અશ્વો પ્રત્યેની રુચિ અને ઘોડીઓને તાલીમ આપવાની કળા માટે જાણીતો હતો. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તે પોતાના પરિવારમાં માતા અને બે બહેનોનો સહારો હતો અને તેને એક વર્ષની નાની દીકરી પણ છે.