નવી દિલ્હીઃ ગત જુલાઈ મહિનામાં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ ગત જુલાઈ, 2025નાં 3,06,220 યુનિટ સામે 66 ટકા વધીને સતત બીજા મહિનામાં વિક્રમ 3,27,901 યુનિટની સપાટીએ રહ્યું હોવાનું ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)એ આંકડાકીય માહિતીમાં જણાવતા ઉમેર્યું હતું કે જુલાઈ મહિનામાં વેચાતા પ્રત્યેક આઠ વાહન પૈકી એક ઈલેક્ટ્રિક વાહનનું વેચાણ થયું હતું.
ફેડરેશનના જણાવ્યાનુસાર આ પૂર્વે જૂન મહિનામાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 63 ટકા વધીને 3,06,220 યુનિટની વિક્રમ સપાટીએ રહ્યું હતું અને ઈલેક્ટ્રિક વાહનોના વેચાણની ટકાવારી 12 ટકાના સ્તરે પહોંચી હતી. એકંદરે ગત જુલાઈ મહિનામાં ઈલેક્ટ્રિક વાહનોનાં વેચાણમાં જોવા મળેલો આકર્ષક વધારો મુખ્યત્વે દ્વીચક્રી વાહનોનાં વેચાણને આભારી છે. જુલાઈમાં દ્વીચક્રી વાહનોનું વેચાણ જુલાઈ, 2025ના 1,08,516 યુનિટ સામે 88.32 ટકા વધીને 2,04,362 યુનિટની સપાટીએ રહ્યું હતું.
આ સિવાય ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ 83.13 ટકા વધીને 32,928 યુનિટ (17,981 યુનિટ)ની સપાટીએ રહ્યું હતું, જ્યારે ત્રિચક્રી ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ 25.3 ટકા વધીને 87,055 યુનિટ (69,477 યુનિટ)ની સપાટીએ રહ્યું હતું. વધુમાં ગત જુલાઈ મહિનામાં ઈલેક્ટ્રિક વેપારી વાહનોનું વેચાણ જુલાઈ, 2025ના 1324 યુનિટ સામે 168.6 ટકા વધીને 3556 યુનિટની સપાટીએ રહ્યું હતું. ઈલેક્ટ્રિક વાહનોનાં રિટેલ વેચાણની કામગીરી અંગે ફેડરેશનનાં પ્રમુખ સાઈ ગિરધરે જણાવ્યું હતું કે ભારતમાં ગત જુલાઈ મહિનામાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ અભૂતપૂર્વ વર્ષાનુવર્ષ ધોરણે 66 ટકાની વૃદ્ધિ સાથે 3,27,901 યુનિટની સપાટીએ રહ્યું છે જે સરેરાશ આઠ વાહનોની સામે એક ઈલેક્ટ્રિક વાહનનું વેચાણ દર્શાવે છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે ગત જુલાઈ મહિનામાં પ્રત્યેક કેટેગરીમાં વેચાણમાં કોઈને કોઈ વિશેષતા જોવા મળી છે. જેમ કે દ્વીચક્રી વાહનોનું વેચાણ સૌ પ્રથમ વખત બે લાખ યુનિટની પાર કરી ગયું છે, ત્રિચક્રી વાહનોના વેચાણમાં 65.1 ટકા જેટલો ઉછાળો થયો છે, વેપારી વાહનોનાં વેચાણમાં ત્રણ ગણો વધારો થયો છે અને બજાર હિસ્સો પણ વધીને 3.57 ટકા થયો છે. તેમ જ પેસેન્જર વાહનોનું વેચાણ પણ વર્ષાનુવર્ષ ધોરણે 83 ટકા વધ્યું છે અને માગની તુલનામાં પુરવઠાખેંચ જેવી સ્થિતિ થઈ હોવાથી ઉત્પાદકોએ તહેવારોની મોસમ પૂર્વે પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.