Wed Aug 26 2026

Logo

અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવા જેડી વેન્સ પાકિસ્તાન રવાના, શાંતિની આશા

Washington DC   2026-04-11 11:50:00
Author: Mumbai samachar Team
અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવા જેડી વેન્સ પાકિસ્તાન રવાના, શાંતિની આશા

પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને વિરામ આપવા માટે અમેરિકાએ હવે મધ્યસ્થીનો માર્ગ અપનાવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત વિશ્વાસુ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ઈરાન સાથેની મડાગાંઠ ઉકેલવા માટે એક મહત્વપૂર્ણ મિશન પર રવાના થયા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ અત્યંત નાજુક તબક્કે છે અને ટ્રમ્પ દ્વારા ઈરાનની સભ્યતા નષ્ટ કરવાની ધમકી બાદ હવે મધ્યસ્થી દ્વારા શાંતિ શોધવાના પ્રયાસો તેજ બન્યા છે.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ જવા રવાના થતા પહેલા જેડી વેન્સે પત્રકારો સમક્ષ ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો ઈરાન સાચી ભાવનાથી વાતચીત કરવા તૈયાર હશે, તો અમેરિકા તેમનું ખુલ્લા હાથે સ્વાગત કરશે, પરંતુ જો તેઓ છેતરપિંડી કે રમત રમવાની કોશિશ કરશે તો અમેરિકા જરા પણ સહયોગ નહીં આપે. વેન્સ આ મધ્યસ્થતા વાટાઘાટોનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદેશ્ય સંભવિત યુદ્ધને ટાળવાનો અને લાંબા ગાળાનો ઉકેલ લાવવાનો છે.

બીજી તરફ, ઈરાને પણ વાતચીત ટેબલ પર આવતા પહેલા પોતાની શરતો સ્પષ્ટ કરી દીધી છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ગલીબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સહિતનું પ્રતિનિધિમંડળ પહેલાથી જ ઈસ્લામાબાદ પહોંચી ગયું છે. ઈરાનની માંગ છે કે લેબનાનમાં ચાલી રહેલા યુદ્ધવિરામનું પાલન થાય અને અમેરિકા દ્વારા જપ્ત કરાયેલી તેમની સંપત્તિઓને મુક્ત કરવામાં આવે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે આ વાટાઘાટોને બંને પક્ષો માટે એક 'નિર્ણાયક ક્ષણ' ગણાવી છે.

આ ઉચ્ચ સ્તરીય વાટાઘાટોમાં જેડી વેન્સની સાથે ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનર પણ સામેલ છે. અગાઉ પણ કુશનરે ઈરાન સાથે પરમાણુ કાર્યક્રમ અને બેલિસ્ટિક મિસાઈલના મુદ્દે પરોક્ષ વાતચીત કરી હતી. અમેરિકાની મુખ્ય ચિંતા ઈરાન દ્વારા આતંકી સંગઠનોને મળતા સમર્થન અને તેના પરમાણુ હથિયારોના કાર્યક્રમને રોકવાની છે. આ બેઠક શનિવારથી શરૂ થશે, જેના પર આખા વિશ્વની નજર ટકેલી છે.

જેડી વેન્સ માટે આ મુલાકાત માત્ર વિદેશ નીતિનો વિષય નથી, પરંતુ તેમના રાજકીય ભવિષ્ય માટે પણ મહત્વની છે. જો તેઓ આ મધ્યસ્થીમાં સફળ રહે છે, તો અમેરિકી મતદારોમાં તેમની છબી એક કુશળ રાજદ્વારી તરીકે ઉભરી આવશે. જોકે, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની દુશ્મની અને ઈરાનની કડક શરતો વચ્ચે કોઈ મધ્યમ માર્ગ કાઢવો એ વેન્સ માટે સૌથી મોટો પડકાર સાબિત થશે.