Mon Jul 27 2026

Logo

જમ્મુ-કાશ્મીરના ડોડા અને કિશ્તવાડમાં વાદળ ફાટ્યા બાદ પૂર અને ભૂસ્ખલન, હાઈવે બંધ થતાં અનેક વાહનો ફસાયા

2026-06-03 09:50:00
Author: Vimal Prajapati
Article Image

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પહાડી જિલ્લાઓ એવા ડોડા અને કિશ્તવાડમાં ભારે વરસાદ બાદ વાદળ ફાટવાની અને અચાનક પૂર આવવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ડોડાના ઠઠરી વિસ્તાર અને કિશ્તવાડ જિલ્લાના સરથલ તેમજ માછીપાલ વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક સ્થળોએ ભૂસ્ખલનના કારણે અનેક જગ્યાએ પથ્થરો આવી ગયા છે, જેનાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.

અચાનક આવેલા ભૂસ્ખલનના કારણે ગાડીઓની અવરજવર થંભી

આ કુદરતી આપત્તિની સૌથી વધુ અસર કિશ્તવાડ-ડોડા રાષ્ટ્રીય રાજમાર્ગ-244 પર પડી છે. પહાડો પરથી મોટા પથ્થરો અને કાટમાળ ધસી આવવાને કારણે આ મુખ્ય માર્ગ અનેક જગ્યાએથી બંધ થઈ ગયો છે. ભૂસ્ખલનના કારણે રસ્તા પર અચાનક આવેલા આ કાટમાળને કારણે ગાડીઓની અવરજવર થંભી ગઈ છે અને કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે.

ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકોને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરીની ટીમો પ્રભાવિત વિસ્તારોમાં સતત કાર્યરત છે. જ્યાં પણ રસ્તાઓ બ્લોક થયા છે, ત્યાંથી જેસીબી અને અન્ય મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ખરાબ હવામાન, તેજ પવન અને કરા સાથેના વરસાદને કારણે મિલકતોને પણ નુકસાન પહોંચ્યું છે. જો કે, રાહતની વાત એ છે કે, હજુ સુધી પૂર કે ભૂસ્ખલનને કારણે કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી.

પરિસ્થિતિની ગંભીરતાને જોતા સંબંધિત ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો છે. નેશનલ હાઈવે અને અન્ય સંપર્ક માર્ગોને વહેલી તકે ચાલુ કરવા માટે કર્મચારીઓ રાત-દિવસ કામ કરી રહ્યા છે. ઉચ્ચ સ્તરેથી ડોડા અને કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરો સાથે વાતચીત કરીને પળેપળની માહિતી મેળવવામાં આવી રહી છે. બંને જિલ્લાની આપત્તિ વ્યવસ્થાપન અને કટોકટી પ્રતિભાવ ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. તંત્ર દ્વારા ફિલ્ડ સ્ટાફ અને વિશેષ તબીબી ટીમોને પણ સતત સતર્ક રહેવા આદેશ અપાયા છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળાય. આ સાથે જ ક્ષતિગ્રસ્ત થયેલી પાણી પુરવઠાની લાઈનોને પણ ઝડપથી રિપેર કરવા માટે સૂચના આપવામાં આવી છે. પૂરના કારણે થયેલા આર્થિક નુકસાનનું ચોક્કસ આકલન ફિલ્ડ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.

ડોડા જિલ્લામાં એક મહિલાનું મોત

આ કુદરતી આફત વચ્ચે ડોડા જિલ્લાના ખુડ્ડર વિસ્તારમાંથી એક દુખદ સમાચાર પણ સામે આવ્યા છે. અહીં વરસાદ દરમિયાન આકાશી વીજળી પડવાને કારણે પિંકી દેવી નામની મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. વહીવટીતંત્રે આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને સ્થાનિક પ્રશાસનને પીડિત પરિવારને તાત્કાલિક રાહત અને આર્થિક સહાય પૂરી પાડવા આદેશ આપ્યા છે.