બોલીવૂડની ધકધક ગર્લ ગણાતી માધુરી દિક્ષીતની સુંદરતાના દિવાનાઓની કોઈ કમી નથી અને હાલમાં જ માધુરી દિક્ષીત અને જગ્ગુદાદા તરીકે ઓળખાતા જેકી શ્રોફ કોમેડિયન કપિલ શર્માના શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' પર પહોંચ્યા હતા. વર્ષો બાદ જગ્ગુદાદા અને માધુરી દિક્ષીતને સાથે જોઈને ફેન્સ પણ એકદમ ખુશ થઈ ગયા હતા. આ શો પર માધુરી અને જેકી શ્રોફે ઓફ ધ સ્ક્રીનના એવા એવા અનુભવો શેર કર્યા હતા કે જેના વિશે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
કોમેડિયન કપિલ શર્માના શો પર માધુરી દિક્ષીતે જણાવ્યું હતું કે મારી અને જેકી શ્રોફની પહેલી મુલાકાત ફિલ્મ 'કર્મા'ના સેટ પર થઈ હતી. એ સમયે હું ઈન્ડસ્ટ્રીમાં નવી નવી હતી. જ્યારે જગ્ગુ દાદાએ જૂની યાદોને તાજી કરતાં જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાને સુભાષ ઘાઈને કહ્યું હતું કે, આ છોકરી એટલે કે માધુરી ખૂબ જ સુંદર અને અદભૂત ડાન્સર છે અને હું પણ તે સમયે માધુરીના ટેલેન્ટથી પ્રભાવિત થયો હતો.

આ શો દરમિયાન શોના હોસ્ટ કપિલ શર્માએ પૂછ્યું કે શું કોઈ એવો એક્ટર છે કે જેને માધુરી સાથે રોમાન્સ કરતી વખતે ગભરામણ થઈ છે? કપિલનો આ સવાલ સાંભળીને જગ્ગુદાદાએ જણાવ્યું કે હું જ એ એક્ટર હતો કે જેને માધુરી સાથે રોમાન્સ કરતી વખતે ગભરામણ થતી હતી, હું અસહજ થઈ જતો હતો.
પોતાનો અનુભવ શેર કરતાં જગ્ગુદાદાએ જણાવ્યું હતું કે માધુરી સાથે રોમેન્ટિક સીન વખતે મને શરમ આવતી હતી. તે એટલી બધી એક્સપ્રેસિવ છે કે તેમની આંખોમાં જોઈને ગીત ગાવામાં કે ડાયલોગ બોલવામાં મને ખૂબ મુશ્કેલી થતી હતી. આગળ જગ્ગુદાદાએ હસતાં હસતાં કહ્યું હતું કે માધુરી તેમની પત્ની અને ગર્લફ્રેન્ડ તો બની જ હતી, પણ એક ફિલ્મમાં તેણે મારી સાસુનો રોલ પણ કર્યો હતો.
આ શો પર જ જગ્ગુદાએ પોતાના જૂના સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે જ્યારે માધુરી ડાન્સ કરતી ત્યારે જેકી શ્રોફ ઘણીવાર પોતાની રિહર્સલ કરવાનું ભૂલી જતા અને માત્ર માધુરીને જોતા રહેતા. આ વિશે જેકીએ સુંદર વાત કહી, ક્યારેક માણસે પોતાની જાતને ભૂલી જવી પડે છે. માધુરીએ પણ જેકીની સાદગીના વખાણ કરતાં તેમને 'માસૂમ અને ડાઉન ટુ અર્થ' માણસ ગણાવ્યા હતા. ફિલ્મ 'દેવદાસ' આ જોડીની સાથે કરેલી છેલ્લી ફિલ્મ હતી.