હાલમાં જ જાપાનના ચેરી બ્લોસમ ફેસ્ટિવલમાં જોવા મળેલાં પર્યટકોના અતિક્રમણ અને અણછાજતાં વર્તનને કારણે આયોજકો દ્વારા ફેસ્ટિવલ અધવચ્ચે જ રદ્દ કરવામાં આવ્યો હતો અને હવે ઈટલીના એક નાનકડામાં ગામમાં પણ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. આ ગામમાં પર્યટકો સિવિક સેન્સ ભૂલીને સાવ જ વિચિત્ર અને બેજવાબદારીપૂર્વક વર્તી રહ્યા છે, જેને કારણે વહીવટીતંત્રને કેટલાક કડક પગલાં લેવાની ફરજ પડી છે. ચાલો જાણીએ આખો સ્ટોરી શું છે....
મળતી માહિતી અનુસાર ઈટલીના ડોલોમાઇટ્સ આલ્પ્સ (Dolomites Alps)માં આવેલા એક નાનકડા અને ખૂબ જ સુંદર ગામ સાન્તા મદાલિના (Santa Maddalena) નામનું આ નાનકડું ગામડું હાલમાં પર્યટકોના 'આતંક'નો સામનો કરી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર આ ગામના ચર્ચ અને પહાડીઓના ફોટા વાયરલ થયા બાદ અહીં આવતા પર્યટકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે સ્થાનિક લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે.
ઈટલીના આ ગામમાં પર્યટકો એક સારી સેલ્ફી કે રીલના ચક્કરમાં સ્થાનિક લોકોના ખેતરો, ઘરો કે બગીચાઓમાં ઘૂસી રહ્યા છે અને પાકને નુકસાન પહોંચાડે છે. આ સાથે સાથે તેઓ આ ગામમાં ગંદકી પણ ફેલાવી રહ્યા છે. પર્યટકોની વધતી સંખ્યા ગામની શાંતિમાં વિક્ષેપ પાડે છે અને લોકો ડ્રોન ઉડાવીને લોકોની પ્રાઈવસીને પણ જોખમમાં મૂકી રહ્યા છે. પર્યટકોના આવા વર્તનને કારણે ગામવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે.
પર્યટકોના આ વર્તનથી કંટાળીને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કેટલાક આકરા પગલામાં લેવામાં આવ્યા છે. જેમાં કેટલાક સ્થળોને નો ગો ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ ઝોનમાં એવા સ્થળોનો સમાવેશ થાય છે કે જ્યાંથી સૌથી સારા ફોટા આવે છે, તેવા અમુક વિસ્તારોમાં પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગામવાસીઓના પ્રાઈવસીને ધ્યાનમાં લઈને ગામમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. લાસ્ટ બટ નોટ ધી સ્ટીલ આ ગામ તરફ જતા રસ્તાઓ પર ગાડીઓની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે જેથી સ્થાનિકોને ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે.
સાન્તા મદાલિના એ દુનિયાનું એકમાત્ર એવું સ્થળ નથી જે સોશિયલ મીડિયાના કારણે મુસીબતમાં મુકાયું હોય. સ્થાનિક લોકોનું એવું માનવું છે કે પર્યટકો ફોટા પાડીને જતા રહે છે પણ સ્થાનિક અર્થતંત્રમાં કોઈ યોગદાન આપતા નથી. આ નિર્ણય લેવાનો મુખ્ય હેતુ ગામની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિ જાળવી રાખવાનો છે.