ઝેનિકા (બોસ્નિયા): ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં ચાર વખત ટાઇટલ જીતનાર ઇટલીની ટીમ સતત ત્રીજી વખત વર્લ્ડ કપમાં નહીં રમી શકે. ઈટલી માટે બોસ્નિયા ઍન્ડ હર્ઝેગોવિના સામેની મંગળવારની પ્લે-ઑફની મૅચ નિર્ણાયક હતી અને એમાં ઈટલી હારી જતાં વર્લ્ડ કપના પ્રવેશથી વંચિત રહ્યું છે. બોસ્નિયા વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યું છે.
એક્સ્ટ્રા ટાઈમના અંતે બંને ટીમ 1-1ની બરાબરીમાં હતી. મુખ્ય મૅચમાં ઈટલી વતી મોઇઝ કીને 15મી મિનિટમાં ઈટલીને 1-0ની સરસાઈ અપાવી હતી. પછીથી ઈટલી (Italy)ના એક ડિફેન્ડરને રેડ કાર્ડ બતાવવામાં આવતા ઈટલીની ટીમ 11માંથી 10 ખેલાડીની થઈ જતાં બોસ્નિયા ((Bosnia)એ લાભ ઉઠાવ્યો હતો અને 79મી મિનિટમાં હૅરિસ તબાકૉવિચે ગોલ કરીને બોસ્નિયાને 1-1ની બરાબરી અપાવી દીધી હતી.
જોકે ત્યાર બાદ છેક સુધી સ્કોર સમાન (1-1) રહેતાં પેનલ્ટી શૂટઆઉટમાં બોસ્નિયાએ ઈટલીને 4-1થી હરાવી દીધું હતું અને ઈટલી માટે સતત ત્રીજી વખત વર્લ્ડ કપનો દરવાજો બંધ થઈ ગયો હતો. ફિફા વર્લ્ડ કપનો કોઈ ભૂતપૂર્વ ચેમ્પિયન દેશ લાગલગાટ ત્રણ વખત વર્લ્ડ કપથી વંચિત રહ્યો હોય એવું પહેલી વખત બન્યું છે.
ફિફા (Fifa) વર્લ્ડ કપ અઢી મહિના પછી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે રમાવાનો છે. ઈટલી પાછલા બન્ને વર્લ્ડ કપ નહોતું રમી શક્યું અને આ વખતે પણ નહીં રમી શકે. એણે ફિફા વર્લ્ડ કપથી વંચિત રહેવાની અનિચ્છનીય હૅટ-ટ્રિક નોંધાવી છે.
ઇટલી આ અગાઉ 2018માં અને 2022માં ફિફા વર્લ્ડ કપમાં પ્રવેશ નહોતું કરી શક્યું. એ બન્ને વર્ષની પ્લે-ઑફમાં ઇટલીની ટીમને અનુક્રમે સ્વિડન અને નૉર્થ મેસડૉનિયાની ટીમે પરાજિત કરી હતી. હવે 12 વર્ષે ઇટલીને વર્લ્ડ કપમાં પુનઃપ્રવેશ કરવાનો ફરી મોકો મળ્યો હતો, પણ અઝુરી તરીકે ઓળખાતી ઇટલીની ટીમે એ ગુમાવ્યો છે. ઈટલી છેલ્લે 2006માં ટાઇટલ જીત્યું હતું.