Tue Aug 25 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ઈઝરાયલે અમેરિકાના ઈશારે લેબેનોન પર હુમલા શરૂ કર્યા

2026-04-10 08:44:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ ઈઝરાયલે અમેરિકાના ઈશારે લેબેનોન પર હુમલા શરૂ કર્યા

 

ભરત ભારદ્વાજ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયાને 24 કલાક પણ થયા નથી ત્યાં યુદ્ધવિરામનું અચ્યુતમ્ કેશવમ્ થઈ જાય એવા ભણકારા વાગવા માંડ્યા છે. તેનું કારણ ઈઝરાયલે લેબેનેનો પર શરૂ કરેલા હુમલા છે. અમેરિકાએ ઈરાન સામે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી એટલે ઈઝરાયલે ઈરાન પર તો હુમલા બંધ કરી દીધા પણ લેબેનોન પર હુમલા શરૂ કર્યા તેમાં મિડલ ઈસ્ટમાં ભડકો ઠર્યો નથી. ઇઝરાયલે લેબનોનમાં મોટા પાયે હુમલા શરૂ કરીને 100 જેટલાં ઠેકાણાંને ખેદાનમેદાન કરીને 250થી વધારે લોકોનાં ઢીમ ઢાળી દીધાં તેથી ઈરાન ભડક્યું છે. 

ઈરાન અમેરિકા સાથેના યુદ્ધવિરામની શરતોના ભાગરૂપે હોર્મુઝ સ્ટ્રેઈટ ખોલવા માટે તૈયાર થયેલું પણ લેબેનોન પર હુમલા શરૂ થતાં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)એ હોર્મુઝ સ્ટ્રેઈટને પાછી બંધ કરીને જહાજોને રોકી દીધાં છે. ઈરાને ઇઝરાયલ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ મૂકીને ધમકી આપી છે કે, લેબેનોન પર હુમલા બંધ થાય તો જ અમે યુદ્ધવિરામ પાળીશું, બાકી ટ્રમ્પ જાય તેલ લગાવવા ને નેતાન્યાહુ પણ જાય ભાડમાં. અમે પણ ઈઝરાયલ, અમેરિકા ને અમેરિકાના પીઠ્ઠુ એવા આરબ દેશો પર હુમલા શરૂ કરી દઈશું. ઈઝરાયલે પણ ઈરાન હિઝબુલ્લાહ સહિતનાં આતંકવાદી સંગઠનોને મદદ કરવાનું બંધ ના કરે ત્યાં સુધી લેબેનોન પરના હુમલા બંધ નહીં થાય, ઈરાને જે કરવું હોય એ કરી લે. 

ઈરાનના આકરા તેવર સામે યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પણ એવા જ આકરા તેવર બતાવીને કહી દીધું છે કે, ઈરાન અમેરિકા સાથે પૂર્ણ શાંતિ કરાર નહીં કરે તો હુમલા વધુ તીવ્ર બનશે અને ઇરાનને કોઈ બચાવી નહીં શકે. ઈઝરાયલ તો રાજાપાઠમાં છે જ પણ ઈરાન અને અમેરિકાના તેવર પણ આકરા છે એ જોતાં યુદ્ધવિરામ પંદર દાડા છોડો પણ અઠવાડિયું પણ ખેંચશે કે કેમ તેમાં શંકા જ છે. 

ઈઝરાયલે લેબેનોન પર હુમલા શરૂ કર્યા તેનું કારણ અમેરિકા છે એ કહેવાની જરૂર નથી. ઈઝરાયલના શાસકો પાણી પણ અમેરિકાને પૂછીને પીતા હોય છે ત્યારે લેબેનોન પર હુમલા જેવો નિર્ણય પોતાની રીતે લે એ વાતમાં માલ નથી તેથી અમેરિકાના ઈશારે જ હુમલા થઈ રહ્યા છે તેમાં મીનમેખ નથી. વાસ્તવમાં ઈરાનને ફરી યુદ્ધ કરવા માટે ઉશ્કેરવા ડોનલ્ડ ટ્રમ્પ ઈઝરાયલનો ઉપયોગ કરી રહ્યા છે. ટ્રમ્પે આ વ્યૂહરચનાના ભાગરૂપે જ ઈરાન સામેના યુદ્ધવિરામની આખી વાતમાંથી ઈઝારાયલને સાવ બાકાત રાખ્યું છે.  

ઈઝરાયલને લેબેનોન સાથે બહુ જૂની દુશ્મની છે અને 1948ના આરબ વર્સીસ ઈઝરાયલ યુદ્ધમાં લેબેનોને આરબોને મદદ કરી હતી. ઈઝરાયલે તેમને હરાવીને ખદેડી મૂકેલા ને લગભગ 1 લાખ જેટલા પેલેસ્ટાઈની ભાગીને લેબેનોન જતા રહેલા. તેના કારણે પછીનાં વરસોમાં લેબેનોને ઈઝરાયલ વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું અને પેલેસ્ટાઈન બનાવવા માટે લડતાં આતંકવાદી સંગઠનો લેબેનોનમાં પડ્યાંપાથર્યાં રહેતાં. 

ઈરાનમાં 1979માં ક્રાંતિ થઈ અને કટ્ટરવાદી શિયાઓનું શાસન આવ્યું પછી ઈરાનને પણ લેબેનોનમાં રસ પડી ગયો કેમ કે લેબેનોનની વસતીમાં 25 ટકા જેટલા શિયા છે. સુન્ની પણ પચીસ ટકા જેટલા જ છે તેથી ઈરાનને લાગ્યું કે, લેબેનોનમાં શિયા શાસન સ્થાપી શકાય છે. આ ઉદ્દેશને પાર પાડવા ઈરાને 1982માં હિઝબુલ્લાહની સ્થાપના કરાવી. હિઝબુલ્લાહને ઈરાન તન, મન, ધનથી મદદ કરતું ને ભાગીને આવેલા પેલેસ્ટાઈનીઓના રૂપમાં આતંકીઓનો મોટો ફાલ તૈયાર હતો તેથી હિઝબુલ્લાહે ઈઝરાયલમાં આતંકી હુમલા શરૂ કર્યા.

હિઝબુલ્લાહના આતંકવાદીઓ ઈઝરાયલ પર હુમલા કરીને પાછા લેબેનોન ભાગી જતા તેથી પરેશાન ઈઝરાયલે આતંકવાદીઓને સાફ કરવા 1982માં લેબેનોન પર હુમલો કરી દીધો. ઇઝરાયલ આર્મીએ લેબેનોનમાં ઘૂસીને કબજો કરી લેવાનો પ્રયત્ન કર્યો તેમાં લેબેનોન આંતરવિગ્રહમાં સપડાઈ ગયું. ઈઝરાયલે 18 વર્ષ લગી કબજો રાખીને આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો કરવા બહુ મથામણ કરેલી પણ ફાવ્યા નહીં. અમેરિકાએ સદ્દામ હુસૈનને આગળ કરીને ઈરાનમાંથી શિયા શાસન ખતમ કરવા માટે બીજો મોરચો ખોલી દીધેલો તેથી ઈરાન બંને બાજુથી ભીંસમાં હતું છતાં ટકી ગયું. 

ઈરાક તો 1990 આવતાં આવતાં જ હાંફી ગયેલું તેથી એક મોરચે ઈરાનને શાંતિ થઈ ગઈ પછી હિઝબુલ્લાહને તમામ પ્રકારની મદદ કરવા માંડી તેમાં ઈઝરાયલનું આર્મી પણ હાંફી ગયું. 18 વર્ષ લગી લેબેનોનમાં લડ્યા પછી છેવટે 2000માં ઈઝરાયલ આર્મી પણ બિસ્તરાંપોટલાં બાંધીને ઘરભેગી થઈ ગઈ. એ વખતે હિઝબુલ્લાહે પોતાની જીત જાહેર કરેલી. 

બીજા આરબ દેશો ઈઝરાયલ સામે પાણી ભરતા ત્યારે હિઝબુલ્લાહે ઈઝરાયલના લશ્કરને પાણી ભરાવીને ભગાડ્યું તેના કારણે હિઝબુલ્લાહ કટ્ટરવાદી મુસ્લિમોમાં હીરો થઈ ગયું. તેના કારણે મુસ્લિમ દેશોમાંથી હિઝબુલ્લાહને ભરપૂર મદદ મળવા માંડી કે જે આજેય ચાલુ જ છે. ઈઝરાયલ આર્મી જતી રહેતાં હિઝબુલ્લાહને પણ રાહત થઈ અને લેબેનોનમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. ઈરાન પણ ત્યારે શાંતિના દૌરમાં હતું તેથી હિઝબુલ્લાહ મજબૂત થતું ગયું. અત્યારે પણ ઈઝરાયલને ટક્કર આપી જ રહ્યું છે. 

ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા તેનું કારણ એ હતું કે, ઈઝરાયલ આતંકવાદને જડમૂળથી ખતમ કરવા માગે છે. હિઝબુલ્લાહ હોય કે હુથી બળવાખોરો હોય, એ બધા ઈરાનને ખીલે કૂદે છે. ઈઝરાયલ આ ખીલો જ કાઢી નાખવા માગે છે ને અમેરિકા તેની વાત સાથે સહમત છે પણ ઈરાને મચક ના આપતાં અમેરિકાએ નમતું જોખવું પડ્યું. અલબત્ત ઈઝરાયલને તેણે લેબેનોન પર હુમલા ચાલુ રાખવા લીલી ઝંડી આપી છે કે જેથી ઈરાન સાવ નચિંત થઈને ના બેસે. લેબેનોન પર હુમલા કરાવીને અમેરિકા ઈરાનને યુદ્ધવિરામ ભંગ કરવા ઉશ્કેરી રહ્યું છે. 

અમેરિકા ફરી યુદ્ધ ઈચ્છે છે કેમ કે ઈરાન સાથેના યુદ્ધમાં તેની આબરૂનો ફજેતો થઈ ગયો છે અને જગત જમાદાર તરીકેની આબરૂ ધૂળધાણી થઈ ગઈ છે. ઈરાન પર હુમલો કરવા પાછળ ત્રણ મોટા ધ્યેય હતા. ઈરાનના પરમાણુ કાર્યક્રમનો સફાયો, ઈરાનનાં મિસાઈલોનો નાશ અને ઈરાનમાં સત્તાપલટો કે જેથી તેના ક્રૂડના ભંડારો પર કબજો કરી શકાય. 

અમેરિકાનો એક પણ ઉદ્દેશ પાર પડ્યો નથી તેથી અમેરિકા ધૂંધવાયેલું છે. ઈરાનને કઈ રીતે પાઠ ભણાવવો તેની વ્યૂહરચના માટે તેને સમય જોઈએ છે તેથી તેણે યુદ્ધવિરામ સ્વીકાર્યો પણ ઈરાનને પાઠ ભણાવ્યા વિના એ છોડવા નથી માગતું. આ કારણે ઈઝરાયલને ચાવી મારીને લેબેનોન પર હુમલા ચાલુ કરવ્યા છે કે જેથી ઉશ્કેરાઈને ઈરાન યુદ્ધવિરામનો ભંગ કરી નાખે અને તેને ઈરાન પર હુમલા માટે સમય મળી જાય.