Mon Sep 14 2026

Logo

આઇસીસી રૅન્કિંગમાં કિશનની સુનામી, 17 ક્રમની લગાવી છલાંગઃ અભિષેક-તિલકનું શું થયું એ પણ જાણો...

2026-02-18 17:06:00
Author: Ajay Motiwala
આઇસીસી રૅન્કિંગમાં કિશનની સુનામી, 17 ક્રમની લગાવી છલાંગઃ અભિષેક-તિલકનું શું થયું એ પણ જાણો...

દુબઈઃ હમણાં ઇશાન કિશનની જ બોલબાલા છે, કારણકે જેની મહિનાઓથી રાહ જોવાતી હતી એ પાકિસ્તાન સામેના જંગમાં તેણે 40 બૉલમાં 77 રનની શાનદાર ઇનિંગ્સથી ભારતને વિજય અપાવ્યો હતો અને આ ઇનિંગ્સને લીધે તે 17 ક્રમની છલાંગ લગાવીને આઠમા નંબર પર આવી ગયો છે. તેણે હાલના ટી-20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ત્રણ મૅચમાં કુલ 158 રન કર્યા છે જેમાં 52.66 બૅટિંગ-ઍવરેજ અને 197.50 સ્ટ્રાઇક-રેટ છે.

ઇશાન કિશન (Ishan Kishan)ના આ 158 રનમાં બે હાફ સેન્ચુરી છે અને તેણે ત્રણ મૅચમાં 10 છગ્ગા અને 17 ચોગ્ગા માર્યા છે. બુધવારે આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રૅન્કિંગ (Ranking) અનુસાર અભિષેક શર્મા થોડા અઠવાડિયાથી નબળી બૅટિંગ કરે છે એમ છતાં તેણે ટી-20ના બૅટ્સમેનોમાં નંબર-વનની રૅન્ક જાળવી રાખી છે.

તિલક ચોથે, સૂર્યા છઠ્ઠે

ભારતનો જ તિલક વર્મા એક સ્થાન આગળ આવીને હવે ચોથા નંબર પર આવી ગયો છે. પાકિસ્તાનનો ઓપનિંગ બૅટ્સમૅન સાહિબઝાદા ફરહાન પાંચમા ક્રમે છે. ભારતનો કૅપ્ટન સૂર્યકુમાર યાદવ હજી છઠ્ઠા નંબર પર જ છે. તેના રૅન્કિંગમાં કોઈ ફેરફાર નથી થયો.

સઇમ-વરુણે નંબર-વનની રૅન્ક સાચવી

પાકિસ્તાનનો જ બીજો ઓપનર સઇમ અયુબ ટી-20નો નંબર-વન ઑલરાઉન્ડર બની ગયો છે. બોલિંગમાં ભારતનો વરુણ ચક્રવર્તી હજી પણ વર્લ્ડ નંબર-વન છે.

બૅટિંગમાં કોણ કયા સ્થાને?

રૅન્ક નામ દેશ રેટિંગ
1 અભિષેક ભારત 891
2 સૉલ્ટ ઇંગ્લૅન્ડ 808
3 નિસાન્કા  શ્રીલંકા 786
4 તિલક ભારત  751
5 સાહિબઝાદા પાકિસ્તાન 748
6 સૂર્યકુમાર ભારત  747
7 બટલર ઇંગ્લૅન્ડ  744
8 કિશન ભારત 732
9 સિફર્ટ ન્યૂ ઝીલૅન્ડ 721
10 ટ્રૅવિસ  ઑસ્ટ્રેલિયા 695