ભારતમાં ગયા વરસે મતદાર યાદીઓમાં સુધારણા માટે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (SIR)ની પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે આધાર કાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે માન્ય ગણાય કે નહીં તેનો ડખો ઉભો થયેલો. ચૂંટણી પંચે આધાર કાર્ડને નાગરિકતાના પુરાવા તરીકે માન્ય રાખવાનો ઈન્કાર કર્યો તેના કારણે વાત સુપ્રીમ કોર્ટમાં ગયેલી. સુપ્રીમ કોર્ટે બિહાર સહિતનાં રાજ્યો માટે આધાર કાર્ડને મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે દસ્તાવેજ તરીકે માન્ય રાખવાનું ફરમાન કરેલું પણ આધાર કાર્ડને નાગરિકતાનું પ્રમાણપત્ર માનવાનો તો ઈન્કાર જ કરેલો.
ચૂંટણી પંચની દલીલ હતી કે, આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો છે અને તેને દેશના નાગરિક હોવાના પુરાવા તરીકે માન્ય ના રાખી શકાય. આ વાત હાસ્યાસ્પદ હતી કેમ કે, ભારતના નાગરિક તરીકે મળવાપાત્ર તમામ સરકારી લાભો આધાર કાર્ડના આધારે અપાય છે પણ નાગરિકતાના પુરાવા તરીકે આધાર કાર્ડ માન્ય નથી રખાતું. આ વાત અતાર્કિક છે પણ સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખીને આધાર કાર્ડને નાગરિકતાના પુરાવા તરીકે માન્યતા નહોતી આપી.
હવે ફરી આવી જ હાસ્યાસ્પદ સ્થિતી ઉભી થઈ છે કેમ કે ભારત સરકારના વિદેશ મંત્રાલયે જ્ઞાન પિરસ્યું છે કે, પાસપોર્ટને નાગરિકતાનો પુરાવો ના ગણી શકાય. વિદેશ મંત્રાલયે હમણાં ભારતના ઝડપથી વિસ્તરતા પાસપોર્ટ નેટવર્ક અંગે એક પત્રકાર પરિષદ યોજી હતી. વિદેશમાં રોજગાર અને બીજાં કામો માટે જતા ભારતીયોને પાસપોર્ટ મેળવવામાં સરળતા રહે તે માટે ક્યા પ્રકારના સુધારા કરાયા છે તેની માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પાસપોર્ટને નાગરિકતા માટનો દસ્તાવેજ ગણવો કે નહીં તે અંગે સવાલ કરાયો હતો. આ સવાલના જવાબમાં અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, પાસપોર્ટ ભારતીયો માટે વિદેશમાં મુસાફરી કરવાનો દસ્તાવેજ જ છે ને કોઈ વ્યક્તિ પાસપોર્ટ ધરાવતી હોય તેના કારણે ભારતની નાગરિક બની જતી નથી.
વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પણ ચૂંટણી પંચની જેમ હાસ્યાસ્પદ દલીલ કરી કે, ભારત સરકારે આપેલો પાસપોર્ટ વિદેશ જનારા ભારતીયોની ભારતીય તરીકેની ઓળખ સ્થાપિત કરે છે. પાસપોર્ટ આપવાનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય મુસાફરી શક્ય બનાવવાનો અને વિદેશમાં ઓળખ સ્થાપિત કરવાનો છે તેથી તેને નાગરિકતાનો પુરાવો ના ગણી શકાય. સવાલ એ છે કે, પાસપોર્ટથી કોની અને કઈ ઓળખ સ્થાપિત થાય છે ? સ્વાભાવિક રીતે જ આ દેશનાં લોકોની ભારતીય તરીકેની ઓળખ સ્થાપિત થાય છે.
બીજો સવાલ એ છે કે, ભારતીય કોને કહેવાય ? ભારતની નાગરિકતા ધરાવતો હોય તેને ભારતીય કહેવાય. વિદેશ મંત્રાલયની વાત હાસ્યાસ્પદ એ રીત કહેવાય કે, ભારત સરકાર ભારતીય પાસપોર્ટ ધરાવતી વ્યક્તિને ભારતીય નાગરિક તરીકેની ઓળખ આપે છે પણ પોતે જ આપેલો પાસપોર્ટ ભારતીય નાગરિકતા માટેનો પુરાવો છે એવું સ્વીકારતી નથી. આ મૂર્ખામીની ચરમસીમા કહેવાય કે નહીં ?
આ મૂર્ખામી માટે હાલની સરકાર જવાબદાર નથી કેમ કે આ તો આગુ સે ચલી આતી હૈ. દેશ આઝાદ થયો એ વખતે જ ખરેખર તો ભારતના નાગરિક તરીકેની માન્યતા માટેની કોઈ વ્યવસ્થા ગોઠવવાની જરૂર હતી. ઘણા દેશોમાં સિટિઝનશીપ કાર્ડ અપાય છે, ઘણા દેશોમાં સિટિઝનશીપ સર્ટિફિકેટ અપાય છે, ઘણા દેશોમાં પાસપોર્ટને નાગરિકતા સાબિત કરતા દસ્તાવેજ તરીકે માન્યતા મળી છે.
જવાહરલાલ નહેરુની સરકારે પહેલેથી જ નાગરિકતા નક્કી કરવા માટે કોઈ ખાસ દસ્તાવેજ દાખળ કર્યો હોત કે કોઈ પણ એક જ દસ્તાવેજને નાગરિકતાના પુરાવા તરીકે માન્યતા આપી દીધી હોત તો આ ગૂંચવાડો ના થયો હોત પણ નહેરૂ સરકારે કશું ના કર્યું તેમાં ગૂંચવાડાની શરૂઆત થઈ. એ પછી આવેલી સરકારોએ પણ કશું ના કર્યું તેમાં કોકડું વધારે ગૂંચવાતું ગયું. નવા નવા ડોક્યુમેન્ટ આવતા ગયા પણ નાગરિકતા માટેનો કોઈ ચોક્કસ દસ્તાવેજ ના જ બન્યો.
અત્યારે સ્થિતી એ છે કે, કોઈ પણ વ્યક્તિ ભારતની નાગરિક છે એ સાબિત કરવા માટે કોઆ ચોક્કસ માન્યતાપ્રાપ્ત સરકારી ડોક્યુમેન્ટ જ નથી. અત્યાર લગી એવું મનાતું હતું કે, પાસપોર્ટ નાગરિકતા માટેનો દસ્તાવેજ છે પણ હવે એ ભ્રમ દૂર કરી દેવાયો છે. સરકારે સ્પષ્ટતા કરી નથી પણ પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ વગેરે પણ નાગરિકતાના દસ્તાવેજ તરીકે માન્ય નથી તેથી એ ભ્રમ પણ રાખવા જેવો નથી.
જે લોકો ભારતમાં જન્મ્યા નથી ને બીજા દેશમાંથી આવીને ભારતમાં વસ્યા છે અને કાનૂની પ્રક્રિયા દ્વારા ભારતના નાગરિક બન્યા છે તેમને સરકાર સિટિઝન સર્ટિફિકેટ આપે છે તેથી તેમના માે સમસ્યા નથી પણ બીજાં લોકો માટે ગૂંચવાડો છે. તેમણે બર્થ સર્ટિફિકેટ, માતા-પિતા કે દાદા-દાદીના દસ્તાવેજો, સ્કુલ રેકોર્ડ્સ વગેરે દ્વ્રા ભારતની નાગરિકતા સ્થાપિત કરવી પડે છે. બધાં પાસે આ દસ્તાવેજો ના હોય તેથી ગૂંચવાડો તો છે જ.
મોદી સરકાર આ ગૂંચવાડાને દૂર કરવા શું કરશે એ ખબર નથી પણ કમ સે કમ એક પહેલ તો કરી જ શકે છે. ભારતમાં જન્મનારી દરેક વ્યક્તિને ભારતની નાગરિકતા મળે છે. અત્યારે આપણે ભારતના નાગરિક છીએ એ સાબિત કરવા માટે ભારતમાં જ જન્મ્યા હોવાના અલગ અલગ પુરાવા રજૂ કરવા પડે છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થામાં નોંધણી દ્વારા અપાતું બર્થ સર્ટિફિકેટ કે સ્કૂલનું સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો માન્ય ગણાય છે. તેના બદલે મોદી સરકાર ભારતમાં નવા જન્મતા દરેક બાળકને સિટિઝનશીપ કાર્ડ કે બીજું કોઈ કાર્ડ આપવાનું શરૂ કરે તો ધીરે ધીરે આ સમસ્યાનો ઉકેલ આવવાની શરૂઆત થશે. જેમની પાસે પણ કાર્ડ હોય એ આપોઆપ જ ભારતના નાગરિક ગણાય.
આ પ્રકારની પહેલ કરવામાં એક સમસ્યા ઘૂસણખોરોની છે. જે લોકો ભારતમાં ગેરકાયદેસર રીતે રહે છે તેમનાં છોકરાંને આ સિસ્ટમથી આપોઆપ ભારતની નાગરિકતા મળી જાય તેની સામે સરકારને વાંધો હોય એ શક્ય છે. બાંગ્લાદેશ કે બર્માથી કે બીજે ક્યાંયથી ઘૂસણખોરી કરીને ભારતમાં આવી ગયેલાં ને અહીં જામી ગયેલાં લોકોનાં સંતાનો જન્મના આધારે ભારતનાં નાગરિક બની જાય એ સારી વાત નથી તેથી આ વાંધો વ્યાજબી છે પણ તેના કારણે કોકડું ગૂંચવાયેલું રહે એ જરાય સારી વાત નથી.
આ સંજોગોમાં સરકારે ઘૂસણખોરોને શોધવાની ક્વાયત હાથ ધરવી જોઈએ. બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો કે બર્માના રોહિંગ્યાઓને પોતપોતાના દેશમાં પાછા ધકેલવાનું આ સરકારનું ગજું નથી એ વાત છેલ્લાં 12 વર્ષમાં સાબિત થયેલી જ છે તેથી એવી આશા રાખવી વ્યર્થ છે રણ કમ સે કમ ઘૂસણખોરોની ઓળખ થઈ જાય તો પણ ઘણું.
આ ઘૂસણખોરોનાં સંતાનોને જન્મથી ભારતની નાગરિકતા નહીં આપવામાં ધર્મના આધારે ભેદભાવનો હોબાળો થવાની શક્ચતા છે પણ એ માટે સરકાર નવો કાયદો લાવી શકે. જે રીતે ભારતના પાડોશી છ દેશોના મુસ્લિમ સિવાયના નાગરિકોને ભારતની નાગરિકતા આપવા માટે સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ લવાયો એ રીતે ભારતમાં ઘૂસણખોરી કરીને આવેલા લોકોનાં સંતાનોને નાગરિકતા નહીં આપવાનો કાયદો બનાવી શકાય.