Fri May 01 2026

Logo

સૌથી મોટા ફિફા વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયેલો છેલ્લો દેશ છે ઇરાનનો પાડોશી...

Monterrey   2026-04-01 16:32:59
Author: Ajay Motiwala
Article Image

Raquel Cunha/Reuters


મૉન્ટેરી (મેક્સિકો): આગામી 11મી જૂને અમેરિકા, મેક્સિકો અને કૅનેડામાં યોજાનારા ફિફા (Fifa) ફૂટબૉલ વર્લ્ડ કપમાં કુલ 48 દેશ ભાગ લેશે અને એમાંનો 48મો દેશ ભારતીય સમય મુજબ મંગળવારે મધરાત બાદ નક્કી થયો હતો અને એ દેશનું નામ છે ઇરાક. હાલમાં અમેરિકા અને ઇઝરાયલ સામે યુદ્ધમાં ઊતરેલા ઇરાનના પાડોશી દેશ ઇરાકે (Iraq) બે ખંડ વચ્ચેની પ્લે-ઑફમાં બોલિવિયા (Bolivia)ને 2-1થી હરાવીને વર્લ્ડ કપમાં રમવા માટેની લાયકાત મેળવી લીધી હતી.

આ મૅચના થોડા જ કલાકો પહેલાં બોસ્નિયા ઍન્ડ હર્ઝેગોવિનાએ ઇટલીને પેનલ્ટી શૂટઆઉટમાં 4-1થી હરાવી દેતાં ઇટલીની ટીમ સતત ત્રીજી વખત વર્લ્ડ કપના પ્રવેશથી વંચિત રહી હતી. યુરોપિયન પ્લે-ઑફ ફાઇનલ્સમાં સ્વિડન, ટર્કી અને ચેક રિપબ્લિકની ટીમ પણ વિશ્વ કપ માટે ક્વૉલિફાય થઈ છે. વર્લ્ડ કપનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ 2022માં આર્જેન્ટિનાએ લિયોનેલ મેસીના શાનદાર પર્ફોર્મન્સની મદદથી ટ્રોફી જીતી લીધી એ પછીના વર્ષમાં (2023માં) શરૂ થયો હતો.

ઇટલીને પ્લે-ઑફમાં બોસ્નિયાએ હરાવી દીધું ત્યાં બીજી તરફ સ્વિડને પોલૅન્ડને 3-2થી, ટર્કીએ કૉસોવોને 1-0થી અને ચેક રિપબ્લિકે ડેન્માર્કને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને વર્લ્ડ કપમાં એન્ટ્રી કરી હતી.

ફિફા વર્લ્ડ કપના કયા ગ્રૂપમાં કોણ?

ગ્રૂપ-એઃ મેક્સિકો, સાઉથ કોરિયા, ચેક રિપબ્લિક, સાઉથ આફ્રિકા
ગ્રૂપ-બીઃ કૅનેડા, બોસ્નિયા, કતાર, સ્વિટ્ઝરલૅન્ડ
ગ્રૂપ-સીઃ બ્રાઝિલ, મોરોક્કો, હૈતી, સ્કૉટલૅન્ડ
ગ્રૂપ-ડીઃ અમેરિકા, પારાગ્વે, ઑસ્ટ્રેલિયા, ટર્કી
ગ્રૂપ-ઇઃ જર્મની, ક્યૂરસૉ, આઇવરી કોસ્ટ, ઇક્વેડોર
ગ્રૂપ-એફઃ નેધરલૅન્ડ્સ, જાપાન, સ્વિડન, ટ્યૂનિશિયા
ગ્રૂપ-જીઃ ઇરાન, બેલ્જિયમ, ઇજિપ્ત, ન્યૂ ઝીલૅન્ડ
ગ્રૂપ-એચઃ સાઉદી અરેબિયા, સ્પેન, કેપ વર્ડે, ઉરુગ્વે
ગ્રૂપ-આઇઃ ઇરાક, ફ્રાન્સ, સેનેગલ, નોર્વે
ગ્રૂપ-જેઃ આર્જેન્ટિના, જોર્ડન, ઑસ્ટ્રિયા, અલ્જિરિયા
ગ્રૂપ-કેઃ પોર્ટુગલ, કૉન્ગો, ઉઝબેકિસ્તા, કૉલમ્બિયા
ગ્રૂપ-એલઃ ઇંગ્લૅન્ડ, ક્રોએશિયા, ઘાના, પનામા