Wed Aug 26 2026

Logo

ઈરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયા જુથ પર હુમલો, કમાન્ડર સહિત 14 લોકો માર્યા ગયા

Baghdad   2026-03-24 17:33:00
Author: Chandrakant Kanoja
ઈરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયા જુથ પર હુમલો, કમાન્ડર સહિત 14 લોકો માર્યા ગયા

બગદાદ : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈરાકના ઈરાન સમર્થિત મિલિશિયા લશ્કરી જુથ પર  હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક કમાન્ડર સહિત 14 લોકો માર્યા ગયા છે. આ હુમલા માટે અમેરિકાને જવાબદાર માનવામાં આવે છે. આ હવાઇ હુમલાની હજુ સુધી કોઇએ જવાબદારી નથી લીધી. આ હુમલા બાદ મિલિશિયા જુથના બિલ્ડિંગમાંથી જ્વાળા અને ધુમાડાના ગોટેગાટા જોવા મળ્યા હતા. 

લશ્કરનો એક મહત્વપૂર્ણ કમાન્ડર માર્યો ગયો હોવાનો દાવો 

આ હુમલામાં લશ્કરનો એક મહત્વપૂર્ણ કમાન્ડર માર્યો ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ હુમલો ઇરાકમાં શિયા લશ્કર પર કરવામાં આવ્યો છે. ઇરાકના જણાવ્યા અનુસાર, અનબાર પ્રાંતમાં પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સિસ (PMF) ના મુખ્યાલયને નિશાન બનાવીને હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં એક કમાન્ડર સહિત 14 લોકો માર્યા ગયા હતા. લશ્કરે આ હુમલા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે અને તેને ઇરાકની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 

મિલિશિયાઓને ઈરાનના સાથી માનવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે, ઈરાન સમર્થિત મિલિશિયા જૂથો દ્વારા અમેરિકન ઠેકાણાઓ પર બદલો લેવા માટે કરવામાં આવી રહેલા હુમલાઓ વચ્ચે આ હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. મિલિશિયાઓને ઈરાનના સાથી માનવામાં આવે છે. અમેરિકાએ અગાઉ ઇરાકમાં મિલિશિયા ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે.