નવી દિલ્હીઃ હમણાં મધ્ય પૂર્વમાં ઇરાન (Iran)નું ઇઝરાયલની સાથે અમેરિકા સામે પણ ભીષણ યુદ્ધ (War)ચાલે છે ત્યારે ફૂટબૉલપ્રેમીઓના મનમાં કેટલાક સવાલ થઈ રહ્યા છે કે ત્રણ મહિના પછી ફૂટબૉલનો ફિફા (FIFA) વર્લ્ડ કપ શરૂ થશે ત્યારે ઇરાનની બે લીગ મૅચ જે સહ-યજમાન દેશ અમેરિકામાં નિર્ધારિત થઈ છે એ રમાશે કે નહીં? શું એ મૅચો અન્ય કોઈ દેશમાં રાખવામાં આવશે કે પછી ખુદ ઇરાન આ વર્લ્ડ કપમાંથી નીકળી જશે? કે પછી અમેરિકા જ ઇરાનનું નામ આ વર્લ્ડ કપમાંથી કઢાવી નાખશે?
48 દેશ વચ્ચેનો ફિફા વર્લ્ડ કપ આગામી 11મી જૂને શરૂ થશે. એની મૅચો અમેરિકા ઉપરાંત કૅનેડા અને મેક્સિકોમાં પણ રમાશે. ઇરાન ગ્રૂપ-જીમાં છે અને એ ગ્રૂપમાં બેલ્જિયમ, ઇજિપ્ત અને ન્યૂ ઝીલૅન્ડ પણ છે.
જાહેર થઈ ગયેલા સમયપત્રક મુજબ ઇરાનની 15મી જૂને ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ લીગ મૅચ અમેરિકામાં કૅલિફોર્નિયાના ઇન્ગલવૂડમાં રમાવાની છે. ત્યાર બાદ 21મી જૂનની બેલ્જિયમ સામેની મૅચ પણ એ જ સ્થળે રમાશે અને 26મી જૂનની ઇજિપ્ત સામેની મૅચ અમેરિકામાં સીએટલના લુમેન ફીલ્ડમાં રમાવાની છે. આ મૅચો રમીને જો ઇરાન નૉકઆઉટ રાઉન્ડ માટે ક્વૉલિફાય થયું હશે તો એની કેટલીક મૅચો પણ ઇરાનના ફૂટબોલર્સે અમેરિકામાં રમવાની રહેશે.
જોકે અમેરિકા અને ઇઝરાયલની જુગલબંધીથી હાલમાં જે યુદ્ધ ચાલે છે એમાં ઇરાનના સર્વેસર્વા આયાતુલ્લાહ અલી ખામેનેઇએ જીવ ગુમાવ્યો છે. ઇરાનના બીજા ટોચના નેતાઓ પણ માર્યા ગયા છે જેને પગલે યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. ઇરાનમાં ફૂટબૉલના ટોચના અધિકારી મેહદી તાજે કહ્યું છે કે `અમારા દેશ પરના જીવલેણ હુમલાઓ પછી એક વાત નક્કી છે કે ફિફા વર્લ્ડ કપની બાબતમાં અમારી પાસે કોઈ આશા રાખવી ખોટી કહેવાશે.'