તહેરાન : અમેરિકા -ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈરાને અમેરિકાની ચેતવણી બાદ હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટું નિવેદન આપ્યું છે. ઈરાને કહ્યું કે આ જળમાર્ગ આ રસ્તો સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે પરંતુ તે ફક્ત દુશ્મન દેશો સુધી મર્યાદિત હોઈ શકે છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની કડક ચેતવણી પછી ઈરાનના વલણમાં કોઈ ફેરફાર થયો નથી.
વિદેશી જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ શકે છે
આ ઉપરાંત ઈરાનના પ્રતિનિધિ અલી મૌસાવીએ જણાવ્યું હતું કે વિદેશી જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ શકે છે. પરંતુ તેમને ઈરાન સાથે સંકલન કરવું પડશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ રસ્તો ફક્ત તે દેશો માટે ખુલ્લો રહેશે જે ઈરાન પ્રત્યે દુશ્મનાવટ ધરાવતા નથી. તેમનું કહેવું છે કે વર્તમાન સંઘર્ષનું મૂળ અમેરિકા અને ઈઝરાયલની લશ્કરી કાર્યવાહી છે. જેના કારણે ખાડી ક્ષેત્રમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે.
ઈરાન હોર્મુઝનો ઉપયોગ વ્યૂહાત્મક હથિયાર તરીકે કરી રહ્યું છે
ઈરાને પોતાના નિવેદનમાં બેવડો સંદેશ આપ્યો છે. એક તરફ તે કહે છે કે દરિયાઈ માર્ગ સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે જેથી વૈશ્વિક વેપાર પ્રભાવિત ન થાય. તો બીજી તરફ તેણે સ્પષ્ટ કર્યું છે કે તે દુશ્મન દેશોના જહાજોને અટકાવવાનો અધિકાર રાખે છે. આ સૂચવે છે કે ઈરાન હોર્મુઝનો ઉપયોગ વ્યૂહાત્મક હથિયાર તરીકે કરી રહ્યું છે.
48 કલાકના અલ્ટીમેટમ સાથે ચેતવણી આપી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને 48 કલાકના અલ્ટીમેટમ સાથે ચેતવણી આપી હતી કે જો હોર્મુઝ સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે તો અમેરિકા ઈરાનની ઉર્જા સુવિધાઓ પર હુમલો કરી શકે છે. આ કડક વલણ છતાં ઈરાનની વ્યૂહરચનામાં કોઈ ફેરફાર થયો નથી. આ બંને દેશો વચ્ચે તણાવ હજુ
પણ વધારે છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક છે. જ્યાંથી લગભગ 20 ટકા તેલ અને ગેસ પુરવઠો પસાર થાય છે. જો આ માર્ગ બંધ થઈ જાય તો વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલ અને ગેસના ભાવ ઝડપથી વધશે.