Tue Aug 18 2026

Logo

ઇરાને જાહેર કર્યો મોજતબા ખામેનેઇનો સરપ્રાઇઝ વીડિયો, મોત થયાની લાગી રહી હતી અટકળો

Tehran   2026-08-09 09:59:22
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાન: ઇઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની તબિયત ગંભીર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, તેહરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી 'મેહર' (Mehr) દ્વારા એક વીડિયો જારી કરવામાં આવ્યો છે, જેમાં તેઓની તબિયત સારી દેખાઈ રહ્યા છે. તેઓ એકદમ સ્વસ્થ લાગી રહ્યા છે. 

મોજતબા ખામેનેઈનો આ વીડિયો સરકાર સાથે જોડાયેલી કોઈ અર્ધ-સરકારી ઇરાની સમાચાર એજન્સી દ્વારા પહેલીવાર જારી કરવામાં આવ્યો છે. આ અગાઉ શુક્રવારે ઇઝરાયલી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે ખામેનેઈ અત્યંત ગંભીર સ્થિતિમાં છે, જેના કારણે તેમની તબિયત અને તેઓ ક્યાં છે તે અંગેની અટકળો વધુ તીવ્ર બની ગઈ હતી.

સર્વોચ્ચ નેતાનું પદ સંભાળ્યા પછી જાહેરમાં નથી દેખાયા મોજતબા

ખામેનેઈએ તેમના પિતા આયાતોલ્લા અલી ખામેનેઈના 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત લશ્કરી હુમલાઓમાં માર્યા ગયાના થોડા સમય બાદ સર્વોચ્ચ નેતાનું પદ સંભાળ્યું હતું. પદ સંભાળ્યા પછીથી તેઓ જાહેરમાં સામે આવ્યા નથી અને માત્ર લેખિત નિવેદનો દ્વારા જ વાતચીત કરી છે.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ હુમલાઓમાં ઘાયલ થયા હતા અને ત્યારથી ઇરાનના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે મધ્યસ્થીઓ પર નિર્ભર છે. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ આ અનિશ્ચિતતામાં વધુ વધારો કર્યો છે. તેમણે સરકારી ટીવી પર એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હાલ ખામેનેઈ સાથે સીધો સંપર્ક કરવો ખૂબ જ મુશ્કેલ છે.

શું ઇરાનમાં નથી મોજતબા?

જુલાઈમાં સાઉદી સમાચાર આઉટલેટ 'અલ હદાસ' (Al Hadath) દ્વારા ઇઝરાયલી સુરક્ષા સૂત્રોને ટાંકીને અહેવાલ આપવામાં આવ્યો હતો કે ખામેનેઈ ઇરાનમાં નથી. બાદમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મીડીયા હાઉસને જણાવ્યું હતું કે ઇરાનના ટોચના લશ્કરી નેતૃત્વનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે લશ્કરી અભિયાન બાદ ખામેનેઈ 90% ખતમ થઈ ચૂક્યા છે અને કામ કરવાની સ્થિતિમાં નથી.

ઇરાનના સરકારી અધિકારીઓએ તેમની ઈજાઓની ગંભીરતાને ઓછી આંકીને તેને સામાન્ય ઈજાઓ ગણાવી છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ મહત્વપૂર્ણ નિર્ણયોની દેખરેખ અને નિર્દેશો જારી કરવાનું ચાલુ રાખી રહ્યા છે. જો કે, જાહેરમાં સામે ન આવવા અથવા સીધી વાતચીત ન કરવાના કારણે ઇરાન અને વિદેશોમાં તેમની તબિયત અને નેતૃત્વ કરવાની ક્ષમતાને લઈને સતત અટકળો લગાવવામાં આવી રહી છે.