Sat May 02 2026

Logo

ઈરાનમાં સેનાના સમર્થનમાં લોકોએ માર્ચ કરી, એકતાનો સંદેશ આપ્યો

tehran   2026-04-13 16:02:20
Author: Chandrakant Kanoja
Article Image

Adnan Naqvi


તહેરાન: અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતી વિકટ બની રહી છે. તેવા સમયે ઇરાનમાં સામાન્ય નાગરિકો ફરી એકવાર રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ  મોટી સંખ્યામાં લોકોએ દેશની સેનાના સમર્થનમાં પ્રદર્શન કર્યું અને સંભવિત અમેરિકન આક્રમણ સામે એકતા દર્શાવી હતી. જેમાં  તહેરાન સહિત અનેક શહેરોમાં મોટી સંખ્યામાં લોકોએ માર્ચ કરી હતી. તેમજ  સુરક્ષા દળોની સાથે મજબૂત રીતે ઊભા રહેવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.

ઈરાન હજુ પણ સંતુલિત અને ન્યાયી કરાર માટે તૈયાર 

આ ઉપરાંત ઇરાને  શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા મુદ્દે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું. ઇરાને કહ્યું કે અમેરિકાના બેવડા ધોરણો સરમુખત્યારશાહી વલણના લીધે કરાર ના થયો. જોકે, ઈરાન હજુ પણ સંતુલિત અને ન્યાયી કરાર માટે  સંપૂર્ણપણે તૈયાર છે. જેનાથી  પ્રદેશમાં કાયમી શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

પુતિન સાથે ઈરાનના રાષ્ટ્રપતિએ ટેલિફોન વાતચીત કરી 

આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ  પુતિન સાથે ઈરાનના રાષ્ટ્રપતિએ ટેલિફોન વાતચીત કરી હતી. જેમાં  બંને નેતાઓએ ઇસ્લામાબાદ મંત્રણા પછીની પરિસ્થિતિ તેમજ પ્રવર્તમાન પ્રાદેશિક તણાવની ચર્ચા કરી હતી. પુતિને પણ પશ્ચિમી રાષ્ટ્રોના બેવડા ધોરણો ની ટીકા કરી અને ઇરાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો. 

પશ્ચિમ એશિયામાં વધતી અસ્થિરતાએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી 

આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં વધતી અસ્થિરતાએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. ઇઝરાયલ અને પ્રદેશના અન્ય ભાગોમાં ચાલી રહેલા હુમલાઓએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે. આનાથી માત્ર પ્રાદેશિક સુરક્ષા જ નહીં પરંતુ વૈશ્વિક ઉર્જા પુરવઠા પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે તેવી આશંકા વધી ગઈ છે. આ જ કારણ છે કે મોટી વિશ્વ સત્તાઓ હવે આ કટોકટીને ઝડપથી ઉકેલવા માટે સક્રિયપણે એકત્ર થઈ રહી છે.