તહેરાન: પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર હુમલાઓ વધુ તીવ્ર બનાવવામાં આવ્યા છે. ત્યારે ઇરાને પણ હવે યુએઇ અને ઇઝરાયલ પર હુમલા શરૂ કર્યા છે. જેમાં ઇરાને યુએઇમાં એક બિલ્ડિંગ પર મિસાઇલ ફેંકી છે. જેમાં બે પાકિસ્તાની ઘાયલ થયા છે.
શારજાહમાં એક ઇમારત પર મિસાઇલ હુમલો
ઈરાને યુએઇના શારજાહમાં એક ઇમારત પર મિસાઇલ હુમલો કર્યો છે. શારજાહ શહેરના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈરાની મિસાઇલ સેટેલાઇટ ટેલિકોમ્યુનિકેશન ઓપરેટર થુરાયા ટેલિકોમ્યુનિકેશન્સના વહીવટી મકાન પર અથડાઈ હતી.આ હુમલામાં બે પાકિસ્તાની નાગરિકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ઇઝરાયલના પેટાહ ટિકવામાં એક ઇમારત ધરાશાયી
આ ઉપરાંત ઈરાનના રોકેટ હુમલા બાદ ઇઝરાયલના પેટાહ ટિકવામાં એક ઇમારત ધરાશાયી થઈ છે. જેમાં ઇજાઓ કે જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પેટાહ ટિકવાના મેયરને ટાંકીને અખબારે અહેવાલ આપ્યો છે કે 28 ફેબ્રુઆરીથી શહેરમાં આશરે 150 હુમલા થયા છે. એક હજારથી વધુ એપાર્ટમેન્ટને નુકસાન થયું છે. બે લોકો માર્યા ગયા છે, અને લગભગ 160 લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે. જ્યારે નાહરિયા શહેરમાં ત્રણ હુમલા નોંધ્યા છે. જેમાં એક વાહનમાં આગ લાગી હતી પરંતુ કોઈ જાનહાનિ નથી થઇ.