Sun May 31 2026

Logo

Middle East Crisis: અમેરિકા અને ઈઝરાયલની ઈરાનના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર એરસ્ટ્રાઈક

Tehran   2026-03-18 21:42:00
Author: Kshitij Nayak
Article Image

વધુ એક ઈરાની અધિકારીને માર્યાનો ઈઝરાયલનો દાવો, તેલ અવીવમાં ઈરાનના હુમલામાં બેનાં મોત

તહેરાનઃ અમેરિકા અને ઇઝરાયલ સતત ઇરાન પર હુમલાઓ કરી રહ્યા છે. આ યુદ્ધને 19મો દિવસ છે, ત્યારે સામે પક્ષે ઈરાન પણ વળતા આક્રમક પ્રહાર કરી રહ્યું છે. ઇરાન ફક્ત ઇઝરાયલ જ નહીં પરંતુ મધ્ય પૂર્વમાં અમેરિકાના સાથી દેશો પર પણ સતત હુમલો કરી રહ્યું છે, જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. દરમિયાન, ઇરાને ફરી એકવાર ઇઝરાયલ પર હુમલો કર્યો છે. બીજી બાજુ અમેરિકા-ઈઝરાયલે ઈરાનના સૌથી મોટા ઊર્જા ઠેકાણાઓ પર હુમલા કર્યાં છે. ઈરાની સરકારી મીડિયાએ કહ્યું છે કે અમેરિકા અને ઈઝરાયલએ દક્ષિણ ઇરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ અને અસાલુયેહ શહેરની તેલ-ગેસની રિફાઈનરી પર એરસ્ટ્રાઈક કરી છે. સાઉથ પાર્સ દુનિયાની સૌથી મોટા કુદરતી ગેસ ફિલ્ડ માનવામાં આવે છે. 

ઈરાન પર હુમલા પછી સઉદી, યુએઈ, કતાર નિશાના પર
મીડિયાના અહેવાલ અનુસાર પેટ્રોકેમિકલ્સ અને ઓઈલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યા છે. ઈઝરાયલી મીડિયાએ પણ બુશહેર ક્ષેત્રસ્થિત ગેસ ફેસિલિટીઝ પર હુમલો કર્યો છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે ઈરાનના પોતાના ગેસ ફિલ્ડ પર હુમલા પછી કતાર, સઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત પર હુમલા કરવાની ધમકી આપી છે. ઈરાની સેનાએ કહ્યું છે કે એ આ ત્રણેય દેશના તેલ-ગેસના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હવે હુમલા કરશે. ઈરાને સઉદી અરેબિયાની સમરેફ રિફાઈનરી અને જુબૈલ પેટ્રોકેમિકલ્સ કોમ્લેક્સને નિશાન બનાવવાની ધમકી આપી છે. ઉપરાંત, યુએઈની અલ હસન ગેસ ફિલ્ડ અને કતારસ્થિત પેટ્રોકેમિકલ્સના અને એક રિફાઈનરી પર હુમલાની ધમકી આપી છે.

તેલ અવીવ નજીકના હુમલામાં બે ઈઝરાયલીનાં મોત
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાઈલ કાટ્ઝે કહ્યું હતું કે ઈઝરાયલ સૈન્યના એક હુમલામાં ઈરાની જાસૂસી મંત્રી ઈસ્માઈલ ખતીબનું મોત થયું છે. જોકે ઈરાને ઈસ્માઈલના મોતની પુષ્ટી કરી નહોતી. નોંધનીય છે કે અગાઉ ઈઝરાયલના હુમલામાં ટોચના ઈરાની અધિકારીઓ અલી લારાઝાની અને બસીઝ ફોર્સના પ્રમુખનું પણ મોત થયું હતું.
ઈરાને ઇઝરાયલના નાણાકીય કેન્દ્ર તેલ અવીવ પર મિસાઇલોથી હુમલો કર્યો હતો. જેમાં બે ઇઝરાયલી નાગરિકોના મોત થયા હતા. ઇઝરાયલના અધિકારીઓએ પુષ્ટી કરી હતી કે તેલ અવીવ નજીક ઇરાની બેલિસ્ટિક મિસાઇલ હુમલામાં 70 વર્ષીય દંપતીનું મોત થયું હતું.

પ્રાથમિક તપાસ મુજબ, વૃદ્ધ દંપતી સમયસર સલામત બંકર અથવા આશ્રયસ્થાન સુધી પહોંચી શક્યા ન હતા. મિસાઇલ તેમના ચોથા માળના એપાર્ટમેન્ટ પર અથડાઈ, જેના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. હુમલા બાદ સમગ્ર તેલ અવીવમાં સાયરન વાગ્યું અને લોકો બોમ્બ શેલ્ટર તરફ ભાગી ગયા હતા.
લેબનોનના હુલામાં એક ડઝનથી વધુ લોકો માર્યાં ગયા
ઇરાની હુમલાઓએ શહેરના મુખ્ય સ્થળોને પણ નિશાન બનાવ્યા હતા. એક મિસાઇલ સેવિડોર સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર અથડાઈ, જેના કારણે પ્લેટફોર્મને ભારે નુકસાન થયું હતું  જેના કારણે ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરાઈ હતી. હુમલામાં એક ઇમરજન્સી વાહનને પણ નુકસાન થયું  હતું. વિવિધ સ્થળોએ ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટીમો કામે લાગી હતી. લેબનોનમાં ઇઝરાયલે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવીને હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા એક ડઝન લોકો માર્યા ગયા હતા.

મોસાદના જાસૂસને ઈરાને આપી જાહેરમાં ફાંસી આપી
ઈરાને ઈઝરાયલ માટે જાસૂસી કરવાના આરોપસર એક વ્યક્તિને ફાંસી આપી હતી. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાને ઈઝરાયલની મોસાદ ગુપ્તચર એજન્સી માટે જાસૂસી કરવાના આરોપસર એક વ્યક્તિને ફાંસી આપી હતી. અહેવાલમાં તેની ઓળખ કૌરોશ કીવાની તરીકે કરવામાં આવી છે. અને તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે ઈઝરાયલને "સંવેદનશીલ સ્થળોની તસવીરો અને માહિતી પૂરી પાડી હતી".

ઈરાને બુધવારે સાઉદી અરેબિયા, કુવૈત, બહેરિન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત પર હુમલો કર્યો હતો. સાઉદી અરેબિયાએ પ્રિન્સ સુલતાન એર બેઝના વિસ્તારને લક્ષ્ય બનાવતી બેલિસ્ટિક મિસાઈલને તોડી પાડી હતી. રિયાધના રાજદ્વારી ક્વાર્ટરને લક્ષ્ય બનાવીને બે ડ્રોનથી હુમલો કરાયો હતો. 

ઇરાનના ઈઝરાયલ અને ખાડી દેશો પર કર્યો મિસાઈલ હુમલો
ઇઝરાયલના હુમલામાં બે વરિષ્ઠ ઇરાની સુરક્ષા અધિકારીઓના મોત થયા હતા. ઈઝરાયલના હુમલામાં ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ અલી લારિઝાનીનું મોત થયું હતું. તેમને અત્યંત શક્તિશાળી માનવામાં આવતા હતા. બીજા જનરલ ગુલામ રઝા સુલેમાની હતા, જે રિવોલ્યુશનરી ગાર્ડ્સના બાસીજ ફોર્સના વડા હતા. ઇરાને બંનેના મૃત્યુની પુષ્ટી કરી છે. તેમણે ઇરાનમાં વ્યાપક વિરોધ પ્રદર્શનોને દબાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ઈઝરાયલના તેલ અવીવ નજીક વિસ્ફોટો
ઇરાન તેના ટોચના અધિકારીઓના મૃત્યુથી ગુસ્સે થયું છે. જેના જવાબમાં ઈરાને આજે ઇઝરાયલ અને ગલ્ફ દેશો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. ઇઝરાયલની રાજધાની તેલ અવીવ નજીક વિસ્ફોટ થયા હતા. રામત ગાન વિસ્તારમાં બે લોકો માર્યા ગયા. દરમિયાન ગલ્ફ દેશોએ તેમની એર ડિફેન્સ સિસ્ટમથી મોટાભાગની મિસાઇલો અને ડ્રોનને અટકાવ્યા હતા. દુબઈમાં પણ વિસ્ફોટો સંભળાયા હતા.

હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનો કબજો છોડશે નહીં
યુદ્ધ વચ્ચે ઇરાને સ્પષ્ટ કર્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટ પરનો પોતાનો કબજો છોડશે નહીં. વેપાર માટે આ એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. ઈરાને કેટલાક જહાજો પર પણ હુમલો કર્યો છે. યુદ્ધને કારણે તેલના ભાવમાં વધારો થયો છે અને વૈશ્વિક ઉર્જા સંકટની ચિંતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે આ જળમાર્ગને સુરક્ષિત કરવા માટે નાટો અને અન્ય દેશો પાસેથી મદદની વિનંતી કરી હતી, પરંતુ કોઈએ તેમને ટેકો આપ્યો ન હતો.

બેરુતના હુમલામાં છ લોકોનાં મોત, 24 ઘાયલ
ઈરાને ઈઝરાયલ અને પાડોશી ખાડી દેશો પર હુમલા શરૂ કર્યા હતા જેમાં સંયુક્ત આરબ અમીરાત અને કતારમાં વિસ્ફોટો સંભળાયા હતા અને સાઉદી અરેબિયામાં હુમલાઓ રોક્યા હોવાના અહેવાલો છે. મધ્ય બેરૂતમાં એક ઈઝરાયલી હવાઈ હુમલો થયો હતો. લેબનીઝ આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આજે વહેલી સવારે મધ્ય બેરૂતના અન્ય પડોશમાં રહેણાંક એપાર્ટમેન્ટ પર થયેલા બે હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા અને 24 અન્ય ઘાયલ થયા.

આ યુદ્ધમાં અમેરિકા 12 અબજ ડોલરનો ખર્ચ કર્યો
ઈરાન સાથેના અમેરિકા-ઈઝરાયલ યુદ્ધમાં ઈરાનમાં ઓછામાં ઓછા 1,300 લોકો, લેબનોનમાં 900થી વધુ અને ઈઝરાયલમાં 14 લોકો માર્યા ગયા છે. અમેરિકન સૈન્યનું કહેવું છે કે અમેરિકાના 13 સૈનિકો માર્યા ગયા છે અને લગભગ 200 ઘાયલ થયા છે. અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ 19 દિવસથી ચાલુ છે, પરંતુ આ યુદ્ધ રોકાવવાનું નામ નથી. અત્યાર સુધીમાં 2,000થી વધુ હુમલા કરવામાં આવ્યા છે. તહેરાન પર સૌથી વધુ હુમલા કરવામાં આવ્યા છે, જેની કાર્યવાહીમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધની અસર થઈ છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં યુએસ-ઈઝરાયલે ઈરાન પર 1,394 હુમલા કર્યા છે, જ્યારે ઈરાને અમેરિકાના સહયોગી દેશ પર 784 હુમલા કર્યા, જેથી કુલ સંખ્યા 2,178 થઈ. આ યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં 12 અબજ ડોલરનો ખર્ચ કરી નાખ્યો છે, જે ભારતીય રુપિયામાં 1 લાખ કરોડની આસપાસ છે.