Tue Oct 06 2026

Logo

ઈરાનને મોટો ફટકો: અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ઈરાની ગુપ્તચર વડા ખાદેમીનું મોત

tehran   2026-04-06 15:02:00
Author: Devayat khatana
ઈરાનને મોટો ફટકો: અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ઈરાની ગુપ્તચર વડા ખાદેમીનું મોત

તેહરાન: મિડલ ઈસ્ટની સ્થિતિ સુધરવાને બદલે વધુને વધુ બગડી રહી છે. ત્યારે હવે ઈરાનના ઈન્ટેલિજન્સ વિભાગના વડા મેજર જનરલ માજિદ ખાદેમી અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલ છે. મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે, ઈન્ટેલિજન્સ વડા માજિદ ખાદેમી આજે વહેલી સવારે યુએસ-ઇઝરાયલના દુશ્મનોના ગુનાહિત આતંકવાદી હુમલામાં શહીદ થયા છે. 

જોકે, આ હુમલો ચોક્કસ કયા સ્થળે થયો તેની વિગતો એજન્સીએ આપી નથી, પરંતુ સોમવારે વહેલી સવારે પાટનગર તેહરાનની આસપાસના રહેણાંક વિસ્તારોમાં અનેક હવાઈ હુમલાઓ થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. માજિદ ખાદેમીએ જૂન મહિનામાં ઈઝરાયેલ સાથે ચાલેલા 12 દિવસના યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા જનરલ મોહમ્મદ કાઝેમીનું સ્થાન સંભાળ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, આ ગુપ્તચર સંસ્થા પર અગાઉ પણ વિદેશી ધરતી પર હત્યાઓ કરવાના અને ઈરાનના શાસન વિરોધીઓને નિશાન બનાવવાના આરોપો લાગતા રહ્યા છે. ખાદેમીનું મૃત્યુ ઈરાનના સુરક્ષા માળખા માટે મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે તે દેશની સુરક્ષા અને વિદેશી વિરોધીઓ સામેની રણનીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. હાલમાં આ હુમલા બાદ વિસ્તારમાં તણાવ વધુ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.