Sun Apr 19 2026

Logo

અમેરિકા સાથે યુદ્ધવિરામ છતાં ઈરાનની આડાઈ, તેલના ટેન્કરો પાસેથી વસૂલશે ક્રિપ્ટો ટેક્સ

Tehran   2026-04-09 08:41:00
Author: Mumbaisamachar Team
Article Image

 

તહેરાન: દુનિયામાં જ્યારે પણ તેલના પુરવઠાની વાત આવે છે, ત્યારે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' સૌથી મહત્વનો માર્ગ ગણાય છે. હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની સ્થિતિ હોવા છતાં, ઈરાને આ દરિયાઈ માર્ગ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. ઈરાન હવે આ માર્ગ પરથી પસાર થતા તેલ ટેન્કરો પર વધારાનો ટેક્સ લાદવાની તૈયારી કરી રહ્યું છે, જેના કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં ફરી એકવાર ચિંતાના વાદળો છવાયા છે.

મીડિયા અહેવાલ મુજબ, ઈરાન હવે આ માર્ગ પરથી પસાર થતા દરેક તેલના ટેન્કર પાસેથી '1 ડોલર પ્રતિ બેરલ'નો ટેક્સ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ઈરાને આ પેમેન્ટ માત્ર 'ક્રિપ્ટોકરન્સી'માં જ સ્વીકારવાનો આગ્રહ રાખ્યો છે. ઈરાનના તેલ અને ગેસ નિકાસ સંઘના જણાવ્યા અનુસાર, હવે દરેક જહાજની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ તપાસના બહાને ઈરાન એ સુનિશ્ચિત કરવા માંગે છે કે યુદ્ધવિરામના સમયનો ઉપયોગ હથિયારોની હેરફેર માટે ન થાય.

ઈરાનની આ નવી કડક પ્રક્રિયાને કારણએ ખાડીના દરિયામાં અત્યારે હજારો બેરલ તેલ ભરેલા અંદાજે 400 જેટલા જહાજો કતારમાં ઉભા છે. જાણે સમુદ્ર કોઈ વિશાળ પાર્કિંગ લોટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઈરાની સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે દરેક ટેન્કરે પહેલા ઈમેલ દ્વારા તમામ વિગતો આપવી પડશે અને ત્યારબાદ જ તેમને આગળ વધવાની મંજૂરી મળશે. જો કોઈ જહાજ ટોલ આપ્યા વગર કે પરવાનગી વગર નીકળવાનો પ્રયાસ કરશે, તો તેના પર હુમલો કરવાની ચેતવણી પણ રેડિયો દ્વારા આપવામાં આવી રહી છે.

આ ગંભીર સ્થિતિને જોતા 'મર્સ્ક' (Maersk) જેવી મોટી શિપિંગ કંપનીઓએ અત્યારે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે કડક વલણ અખત્યાર કર્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે શાંતિ કરાર ત્યારે જ સફળ ગણાશે જ્યારે ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને સુરક્ષિત અને મુક્ત રાખે. ઓમાન જેવા પડોશી દેશોએ પણ ઈરાનના આ ટોલ ટેક્સને આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ ગણાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વૈશ્વિક દબાણ સામે ઈરાન નમશે કે પછી તેલની કિંમતોમાં નવો ઉછાળો આવશે.