તેલ અવીવ : મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે અમેરિકાએ ઈરાનને કરાર કરવા માટે આપેલી સમયમર્યાદા આજે પૂર્ણ થઇ રહી છે. તેમજ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી પણ આપી છે જો ઈરાન કરાર કરવામાં નિષ્ફળ જશે તો મોટો હુમલો કરવામાં આવશે. જેના પગલે ઈઝરાયલે ઈરાનના નાગરિકોને ટ્રેનમાં મુસાફરી નહી કરવાની સલાહ આપી છે.
આ ચેતવણી એક્સ પરની એક પોસ્ટમાં આપવામાં આવી
ઇઝરાયલી સૈન્ય દ્વારા જાહેર કરાયેલી એક પોસ્ટથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે ભવિષ્યમાં ઈરાનમાં નવા લક્ષ્યો પર હુમલો થઈ શકે છે. આ ચેતવણી એક્સ પરની એક પોસ્ટમાં આપવામાં આવી હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે. ટ્રેનમાં તમારી ઉપસ્થિતી તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે.
અઠવાડિયાથી ઈરાનમાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ
જોકે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઈરાનમાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ છે.જેના કારણે આવી ચેતવણીઓ સામાન્ય લોકો સુધી સીધી પહોંચવી મુશ્કેલ બની ગઈ છે. તેમ છતાં વિદેશથી કાર્યરત ફારસી ભાષાની સેટેલાઇટ ન્યૂઝ ચેનલો આ સંદેશાઓનું પ્રસારણ કરી રહી છે. જેનાથી ખાતરી થાય છે કે આ માહિતી ઈરાનની અંદર એક યા બીજા માધ્યમથી પહોંચે છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવમાં વધારો
આ સ્થિતીમાં નિષ્ણાતો માને છે કે સામાન્ય રીતે મોટી લશ્કરી કાર્યવાહી પહેલાં આવી ચેતવણીઓ જાહેર કરવામાં આવે છે જેથી નાગરિકોને નુકસાનથી બચાવી શકાય. વર્તમાન પરિસ્થિતિઓને જોતાં આ પગલાને ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવમાં વધુ વધારો થવાના સંકેત તરીકે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે, જે આ ક્ષેત્રમાં અસ્થિરતાને વધુ તીવ્ર બનાવી શકે છે.
યુવાનોને પાવર પ્લાન્ટ્સની સુરક્ષા માટે માનવ સાંકળ બનાવવા અપીલ કરી
આ દરમિયાન સાઉદી અરેબિયાએ મંગળવારે તેના ક્રૂડ સમૃદ્ધ પૂર્વીય પ્રાંત પર ઈરાની મિસાઈલ હુમલા બાદ બહેરીન સાથે જોડતો એકમાત્ર રોડ લિંક બંધ કરી દીધો. જ્યારે ઈરાની અધિકારીઓએ યુવાનોને પાવર પ્લાન્ટ્સની સુરક્ષા માટે માનવ સાંકળ બનાવવા અપીલ કરી છે.