Fri Jun 19 2026

Logo

‘ત્યારે લોકોએ મજાક ઉડાવી હતી...’ RCBના ઐતિહાસિક સોદા બાદ વિજય માલ્યાની પ્રતીક્રીયા

London   2026-03-26 11:19:00
Author: Savan Zalariya
Article Image

લંડન: ઇન્ડિયન પ્રીમિયર લીગની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની ફ્રેન્ચાઇઝીને આદિત્ય બિરલા ગ્રુપના નેતૃત્વ હેઠળના એક હાઇ-પ્રોફાઇલ કન્સોર્ટિયમે 16,500 કરોડ રૂપિયામાં ખરીદી. આ સોદા બાદ RCBના ભૂતપૂર્વ માલિક અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ પ્રતિક્રિયા આપી છે. 

વિજય માલ્યાએ X પર એક પોસ્ટ કરીને આ મોટા સોદા અંગે ખુશી વ્યક્ત કરી છે અને ટીકાકારોને જવાબ આપ્યો છે. માલ્યાએ જણાવ્યું કે જ્યારે તેમણે વર્ષ 2008 માં 450 કરોડ રૂપિયામાં RCB ફ્રેન્ચાઇઝી ખરીદી હતી, ત્યારે ઘણા લોકોએ ક્રિકેટ ટીમમાં રોકાણ કરવાના તેમના પગલાની ટીકા કરી હતી અને તેની મજાક ઉડાવી હતી. માલ્યા એ જણાવ્યું કે કેટલાક લોકોએ તેને વેનિટી પ્રોજેક્ટ ગણાવ્યો હતો. 

આજે ગુરુવારે X પર પોસ્ટ કરી માલ્યાએ જણાવ્યું કે તેમનું સાહસ લગભગ 37 ગણું વધીને 16,500 કરોડ રૂપિયા સુધી પહોંચી  ગયું એ જોઇને ખૂબ જ આનંદ થયો.

નવા માલિકોને અભિનંદન પાઠવ્યા:
વિજય માલ્યાએ X પર પોસ્ટ કરીને, "હું RCB ના નવા માલિકોને અભિનંદન પાઠવું છું. જ્યારે મેં 2008 માં INR 450 કરોડમાં ફ્રેન્ચાઇઝી ખરીદી હતી, ત્યારે મોટાભાગના લોકોએ મારી મજાક ઉડાવી હતી, મારા રોકાણને લોકોએ વેનિટી પ્રોજેક્ટ ગણાવ્યું હતું. મારા પાગલપન પાછળનો હેતુ રોયલ ચેલેન્જ બ્રાન્ડ બનાવવાનો હતો અને તેથી મેં ફ્રેન્ચાઇઝીનું નામ RCB રાખ્યું." 

માલ્યાએ વધુમાં લખ્યું, "RCB હંમેશા મારા DNA નો ભાગ રહેશે અને મારી યાદોમાં છવાયેલી રહેશે, યુવા વિરાટ કોહલીને પસંદ કરવાનો આનંદ છે, જે હવે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક છે. મારી આગેવાની  દરમિયાન અને તે પછી પણ મારા સાથે જોડાયેલા બધા RCB ચાહકોનો આભાર." 

હવે RCBની માલિકી આદિત્ય બિરલા ગ્રુપના નેતૃત્વ હેઠળના એક હાઇ-પ્રોફાઇલ કન્સોર્ટિય પાસે છે, જેમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ અને બોલ્ટ વેન્ચર્સનો સમાવેશ થાય છે