Fri May 01 2026

Logo
IPL 2026:

રોહિત નહીં આ ખેલાડીએ માર્યા છે આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા, ધોની-કોહલી અને સેમસન પણ છે ટોપ-10માં

2026-03-21 08:30:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલ 2026 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આઈપીએલમાં ચોગ્ગા-છગ્ગાની રમત જામે છે. આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓમાં ક્રિસ ગેઈલ ટોપ પર છે, જ્યારે ટોપ-5 ખેલાડીઓમાં ત્રણ ભારતીયો છે.

આઈપીએલમાં સૌથી વધુ સિક્સ મારનારા ખેલાડીઓ

ક્રિસ ગેઈલઃ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલે આઈપીએલમાં સૌથી વધુ સિક્સર મારી છ. 142 મેચમાં તેણે 357 સિક્સ મારી છે. ઉપરાંત 405 ચોગ્ગા પણ ફટકાર્યા છે. આઈપીએલમાં તેનો સર્વોચ્ચ સ્કોર 175 રન નોટઆઉટ છે. આ રેકોર્ડને કોઈ ખેલાડી હજુ સુધી તોડી શક્યું નથી.

રોહિત શર્માઃ હિટમેન રોહિત શર્મા આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓના લિસ્ટમાં બીજા ક્રમે છે. તેણે 272 મેચમાં 302 સિક્સ મારી છે. ઉપરાંત 640 ફોર પણ ફટકારી છે.

વિરાટ કોહલીઃ કિંગ કોહલી આઈપીએલમાં સૌથી વધુ સિક્સ મારનારા ખેલાડીઓના લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. તેણે 267 મેચમાં 291 છગ્ગા માર્યા છે. ચાલુ સિઝનમાં તે 300 છગ્ગાનો રેકોર્ડ બનાવી શકે છે. તે આઈપીએલમાં સૌથી વધુ ફોર ફટકારનારો ખેલાડી પણ છે.

એમ એસ ધોનીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 વર્લ્ડ કપ જીતાડનારો કેપ્ટન એમ એસ ધોની આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા મારવામાં ચોથા ક્રમે છે. તેણે 278 મેચમાં 264 છગ્ગા માર્યા છે. જોકે આઈપીએલમાં તે એકપણ સદી ફટકારી શક્યો નથી.

એબી ડીવિલિયર્સઃ તેણે આઈપીએલની 184 મેચમાં 251 છગ્ગા માર્યા છે અને આ લિસ્ટમાં પાચમા ક્રમે છે. આ ઉપરાંત આઈપીએલમાં તેણે 413 ચોગ્ગા પણ માર્યા છે.

ડેવિડ વોર્નરઃ તે આઈપીએલમાં 184 મેચ રમ્યો છે અને 236 છગ્ગા સાથે લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે. તેણે 663 ચોગ્ગા પણ માર્યા છે.

આંદ્રે રસેલઃ કેરેબિયન હિટર આંદ્રે રસેલે 140 મેચમાં 223 છગ્ગા માર્યા છે. તેના પાવર હિટિંગથી તે કેટલીક મેચ જીતાડી ચુક્યો છે. આઈપીએલમાં સૌથી વધુ સિક્સ મારવામાં તે સાતમા ક્રમે છે. રસેલ આઈપીએલમાં એક પણ સદી ફટકારી શક્યો નથી. તેનો સર્વોચ્ચ સ્કોર 88 રન નોટ આઉટ છે.

કિરોન પોલાર્ડઃ પોલાર્ડે 189 આઈપીએલ મેચમાં 223 છગ્ગા માર્યા છે અને લિસ્ટમાં આઠમા ક્રમે છે. પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો પોલાર્ડ પણ આઈપીએલમાં એક પણ સદી ફટકારી શક્યો નથી. તેનો સર્વોચ્ચ સ્કોર 87 રન નોટ આઉટ છે.

સંજુ સેમસનઃ ભારતને 2026 ટી20 વર્લ્ડ કપમાં વિજેતા બનાવવામાં સિંહ ફાળો આપનારો સંજુ સેમસન આઈપીએલમાં સૌથી વધુ સિક્સ મારવામાં નવમાં ક્રમે છે. તેણે 177 આઈપીએલ પેચમાં 219 છગ્ગા માર્યા છે.

કે એલ રાહુલઃ કે એલ રાહુલ આઈપીએલમાં સૌથી વધુ સિક્સ મારનારા ખેલાડીઓમાં દસમા ક્રમે છે. તેણે 145 મેચમાં 208 સિક્સ મારી છે.