Sat Jun 20 2026

Logo

IPL 2026 ઓરેન્જ કેપની રેસ: વૈભવ ત્રીજા ક્રમે સરક્યો, હૈદરાબાદના આ બે સ્ટાર્સે મારી બાજી

2026-04-14 12:55:00
Author: Savan Zalariya
Article Image

હૈદરાબાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026 સિઝન જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ઓરેન્જ કેપ માટેની લડાઈ વધુને વધુ રસપ્રદ બની રહી છે. ઓરેન્જ કેપ અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સના યુવા બેટર વૈભવ સૂર્યવંશી પાસે હતી, પરંતુ ગઈ કાલે રમાયેલી IPL 2026ની 21મી મેચમાં બાજી પલટાઈ ગઈ. સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH) સામે વૈભવ ગોલ્ડન ડક પર આઉટ થયો, આ સાથે જ SRHના બે બેટર તેનાથી આગળ નીકળી ગયા.  

ગઈ કાલે હૈદરાબાદનાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ RR અને SRH વચ્ચે મેચ રમાઈ હતી, SRH સામે RRની 57 રનથી કારમી હાર થઇ. આ સિઝનમાં RRને મળેલી આ પહેલી હાર હતી. ગઈ કાલની મેચમાં વૈભવ પોતાનું ખાતું પણ ન ખોલાવી શક્યો, તે પહેલા બોલ પર જ આઉટ થઇ ગયો.  

આ બેટર પહેલા ક્રમે:
IPLમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં સનરાઇઝર્સ હૈદરાબાદનો હેનરિક ક્લાસેન સૌથી આગળ છે. ગઈ કાલે રાજસ્થાન રોયલ્સ સામે તેણે માત્ર 26 બોલમાં 40 રન બનાવ્યા, જેમાં તેણે એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી. ક્લાસેને આ IPL સિઝનમાં અત્યાર સુધી પાંચ મેચમાં 224 રન બનાવ્યા છે, તેની એવરેજ  44.80 છે અને તેની 142.68 ના સ્ટ્રાઇક રેટ છે.

SRHનો કેપ્ટન બીજા ક્રમે:
ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન ઇશાન કિશન બીજા સ્થાને છે. ઇશાન કિશને ગઈ કાલે રાજસ્થાન રોયલ્સ સામે 44 બોલમાં 91 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે આઠ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. ઈશાને IPL 2026માં 5 મેચમાં 213 રન બનાવ્યા છે, તેની એવરેજ 42.60 છે અને તેની સ્ટ્રાઇક રેટ 190.18  છે. 

વૈભવ સૂર્યવંશી ત્રીજા ક્રમે:
ઓરેન્જ કેપની રેસમાં વૈભવ સૂર્યવંશી ત્રીજા ક્રમે છે, જે સોમવાર સાંજ સુધી તે પ્રથમ સ્થાને હતો, પરંતુ મેચના અંત સુધીમાં તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. IPL 2026માં વૈભવ સૂર્યવંશીએ પાંચ મેચમાં 200 રન બનાવ્યા છે, તેની એવરેજ 40 છે અને સ્ટ્રાઇક રેટ 263.16 છે. 

રાજસ્થાન રોયલ્સની આગામી મેચ KKR સામે આવતા રવિવારે છે, એવી શક્યતા છે કે હાલમાં ત્રીજા ક્રમે રહેલો વૈભવ સૂર્યવંશી રવિવાર સુધીમાં વધુ નીચેના ક્રમે આવી શકે છે.