Wed Jul 29 2026

Logo

પશ્ચિમ એશિયાનું નવું ભૂ-રાજકીય સમીકરણ સઉદી-અમેરિકા સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ

2026-07-29 09:00:13
Author: Amul Dave
Article Image

પ્રાસંગિક  - અમૂલ દવે

અમેરિકાના ઊર્જા પ્રધાન ક્રિસ રાઈટ અને સઉદી અરબિયાના ઊર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલઅઝીઝ બિન સલમાન

તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને સઉદી અરેબિયા વચ્ચે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક સિવિલ ન્યુક્લિયર સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ 30 વર્ષનો બહુ-અબજ ડૉલરનો કરાર છે, જેને અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની સરકારે એક મોટી કૂટનીતિક જીત તરીકે રજૂ કર્યો છે. આ સમજૂતીથી સઉદી અરેબિયાને તેની નાગરિક ન્યુક્લિયર ઊર્જા ક્ષમતા વિકસાવવામાં વ્યાપક મદદ મળશે, જ્યારે અમેરિકી ઉદ્યોગો અને ટેકનોલોજી ક્ષેત્ર માટે વિશાળ વ્યાપારી તકોના દ્વાર ખુલશે. કરાર પર અમેરિકાના ઊર્જા પ્રધાન ક્રિસ રાઈટ અને સાઉદી એનર્જી મિનિસ્ટર પ્રિન્સ અબ્દુલઅઝીઝ બિન સલમાને હસ્તાક્ષર કર્યા હતા.

આ કરારને વૈશ્વિક કૂટનીતિમાં "123 Agreement'  તરીકે ઓળખવામાં આવે છે, જે યુ.એસ. એટોમિક એનર્જી એક્ટ હેઠળ અન્ય દેશો સાથે પરમાણુ ઊર્જા સહયોગ માટે નિર્ધારિત વૈધાનિક માળખું છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ માળખા હેઠળ સઉદી અરેબિયાને ભવિષ્યમાં પોતાના ન્યુક્લિયર રિએક્ટર્સ માટે યુરેનિયમ સમૃદ્ધીકરણની તક મળી શકે છે, પરંતુ તે પ્રક્રિયા સંપૂર્ણપણે અમેરિકી કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય ધોરણોની કડક દેખરેખ હેઠળ રહેશે.

આ મલ્ટિ-બિલિયન ડૉલર કરાર પાછળ અમેરિકાનો મુખ્ય વ્યૂહાત્મક હેતુ સઉદી અરેબિયાને ચીન અને રશિયાના વધી રહેલા પ્રભાવ હેઠળ જતા અટકાવવાનો છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં સઉદી અરેબિયાએ ચીન સાથે આર્થિક અને તકનીકી સંબંધો ગાઢ બનાવ્યા છે તથા ‘ઓપેક’ અને અન્ય ઊર્જા મુદ્દાઓ પર રશિયા સાથે પણ સહયોગ વધાર્યો હતો. જો આ કરાર અમલમાં ન આવ્યો હોત તો સઉદી અરેબિયા રશિયાની રોસાટોમ (Rosatom) અથવા ચીનની ન્યુક્લિયર કંપનીઓ સાથે ભાગીદારી તરફ આગળ વધી શકત. અમેરિકા ઇચ્છે છે કે સઉદી તેનો પરમાણુ કાર્યક્રમ અમેરિકી તકનીક અને ‘વેસ્ટિંગહાઉસ’ (Westinghouse) જેવી અગ્રણી અમેરિકી કંપનીઓની મદદથી જ સ્થાપિત કરે, જેથી આ ક્ષેત્રમાંથી રશિયા અને ચીનનો પ્રવેશ સંપૂર્ણપણે રોકી શકાય. વધારામાં, આ મોટા પ્રોજેક્ટથી અમેરિકી અર્થતંત્રને નોંધપાત્ર આર્થિક લાભ થશે અને હજારો ઉચ્ચ-કુશળ નોકરીઓનું સર્જન થશે.

કરારના મૂળ દસ્તાવેજમાં અબ્રાહમ એકોર્ડ્સ (ઇઝરાયેલ સાથેના સંબંધોનું સામાન્યીકરણ)નો કોઈ સીધો કે પ્રત્યક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ હસ્તાક્ષર કર્યાના બીજા જ દિવસે ટ્રમ્પે જાહેરમાં સ્પષ્ટ કર્યું હતું કે આ ન્યુક્લિયર સહયોગ પ્રક્રિયા સઉદી અરેબિયાના અબ્રાહમ એકોર્ડ્સમાં જોડાવા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આ સિવિલ ન્યુક્લિયર ડિલના સંપૂર્ણ અમલીકરણ માટે સઉદી અરેબિયાએ ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સામાન્ય બનાવવાની દિશામાં આગળ વધવું પડશે. આ નિવેદને મોટો રાજકીય વિવાદ ઊભો કર્યો છે, કારણ કે સઉદી અરેબિયાએ આ અગાઉ સ્પષ્ટ શરત મૂકી હતી કે પેલેસ્ટાઇન રાજ્યની સ્થાપના માટેનો નક્કર માર્ગ નક્કી થયા વિના ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય બનાવવામાં નહીં આવે. 

આમેય પશ્ર્ચિમ એશિયા (મધ્ય પૂર્વ)માં ન્યુક્લિયર અને સૈન્ય સંતુલન હંમેશાં અત્યંત સંવેદનશીલ વિષય રહ્યો છે. આંતરરાષ્ટ્રીય વિશ્ર્લેષકો અને સંરક્ષણ નિષ્ણાતોના અંદાજ મુજબ, ઇઝરાયલ પાસે બિનસત્તાવાર રીતે 80થી 400 જેટલા ન્યુક્લિયર વોરહેડ્સ છે, જોકે ઇઝરાયલે પોતે ક્યારેય પોતાના ન્યુક્લિયર કાર્યક્રમની સત્તાવાર પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી. બીજી તરફ, ઈરાન વર્ષોથી પોતાનો અણુ કાર્યક્રમ વિકસાવી રહ્યું છે અને ઉચ્ચ સ્તરના યુરેનિયમ સમૃદ્ધીકરણમાં મોટી સફળતા મેળવી ચૂક્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે આ કરારથી પશ્ર્ચિમ એશિયાનું ભૂ-રાજકીય સમીકરણ ઝડપથી બદલાવાની શક્યતા છે. સઉદી અરેબિયા તેના ‘વિઝન 2030’ હેઠળ ઊર્જા ક્ષેત્રે વૈવિધ્યીકરણ લાવવા માંગે છે અને તેલની નિકાસ પરની તેની નિર્ભરતા ઘટાડવા માગે છે. અમેરિકા માટે આ પગલું મધ્ય પૂર્વમાં ચીન અને રશિયાના વધતા જતા રાજદ્વારી અને આર્થિક પ્રભાવને માત આપવાની શ્રેષ્ઠ તક છે. જોકે, આ કરાર અંગે ઈરાન, ઇઝરાયલ અને અન્ય પ્રાદેશિક દેશોની સત્તાવાર અને રાજદ્વારી પ્રતિક્રિયાઓ આવનારા સમયમાં આ પ્રદેશની સ્થિરતા નક્કી કરવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે.

છેવટે, આ કરારને પૂર્ણપણે અમલમાં મૂકતા પહેલાં અમેરિકી કૉંગ્રેસ (સંસદ)ની સમીક્ષા અને મંજૂરી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જો યુ.એસ. કૉંગ્રેસ આ કરારને લીલી ઝંડી આપે છે, તો તે મધ્ય પૂર્વમાં ન્યુક્લિયર ટેકનોલોજીના વિસ્તાર અને ઉપયોગની એક નવી સદીનો પ્રારંભ કરશે. ડોનલ્ડ ટ્રમ્પ અને તેમના ટેકાદારોના મતે આ કરાર પશ્ર્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને મોટા બિઝનેસને પ્રોત્સાહન આપશે; જ્યારે બીજી તરફ વિવેચકો અને વિરોધીઓ તેને પ્રદેશમાં નવી રાજકીય અસ્થિરતા અને સંઘર્ષનું કારણ ગણાવી રહ્યા છે.