Sun Jul 26 2026

Logo

પશ્ચિમ એશિયાના આ સાત દેશની ફ્લાઈટ્સની સર્વિસ 28મી માર્ચ સુધી સ્થગિત કરી, જાણો હવે નવું કારણ

2026-03-15 16:32:19
Author: Vimal Prajapati
Article Image

મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતને પણ અસર થઈ છે. ઈન્ડિગોએ આ યુદ્ધને ધ્યાન રાખતા પશ્ચિમ એશિયાના સાત સ્થળોએ 28 માર્ચ સુધી તેની સુનિશ્ચિત ફ્લાઇટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આનું મુખ્ય કારણે મધ્યપૂર્વમાં ચાલી રહેલો તણાવ હોવાનું જાણવા મળ્યું છે. ઈન્ડિગો દ્વારા દોહા, કુવૈત અને શારજાહની ફ્લાઈટને પણ 28 માર્ચ સુધી સ્થગિત કરી હોવાનું જાણવા મળ્યું છે. 

ઈન્ડિગો દ્વારા લેવામાં આવેલો નિર્ણય પશ્ચિમ એશિયામાં તેની વિમાન સેવાને વધારે સમાયોજિત કરવાનો એક ભાગ છે. મહત્વની વાત એ છે કે, અત્યારે ચાલી રહેલું યુદ્ધ, હવાઈ ક્ષેત્ર પર લાગેલા પ્રતિબંધો, એરપોર્ટ સંબંધિત મુદ્દાઓ, ઇંધણ અને વીમા ખર્ચને ધ્યાન રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઈન્ડિગોએ શું કહ્યું? 

ઈન્ડિગોએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, નેટવર્કમાં જરૂરી ગોઠવણો માટે દોહા, કુવૈત, બહેરીન, દમ્મામ, ફુજૈરા, રસ અલ ખૈમા અને શારશાહ માટે નિર્ધારિત કરેલી ઉડાનો આગામી 28 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે હવાઈ ક્ષેત્ર ખૂબ જ પ્રભાવિત થયું છે. 

યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈન્ડિગોમાં મોટી ઉથલપાથલ

આ દરમિયાન એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ 15 માર્ચે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં જવા અને ત્યાંથી કુલ 72 ફ્લાઇટ્સનું સંચાલન કરશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈન્ડિગોમાં અત્યારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, થોડા દિવસ પહેલા જ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી  (CEO) પીટર એલ્બર્સે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. અત્યારે કંપનીનો કાર્યભાર રાહુલ ભાટિયા સંભાળી રહ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે, સત્તાવાર રીતે હજી નવા CEOની નિયુક્તિ કરવામાં આવી નથી.