મુંબઈ: શનિવારે મધ્યપૂર્વમાં યુદ્ધ શરુ થયા બાદ આજે સોમાવરે ભારતીય શેર બજારે પહેલી વાર કારોબાર શરુ કર્યો, ખુલતાની સાથે ભારતીય શેર બજારમાં મોટો કડાકો નોંધાયો. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 2,743 પોઈન્ટના મોટા ઘટાડા સાથે નુકસાન સાથે 78,543 પર ખુલ્યો, જોકે થોડી મિનિટોમાં જ સેન્સેક્સે રિકવરી મેળવી હતી અને 1034 પોઈન્ટના ઘટાડા સાથે 80,252 પર પહોંચ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 519 પોઈન્ટનાં ઘટાડા સાથે 24,659 પર ખુલ્યો, ત્યાર બાદ રીકવરી કરીને 301 પોઈન્ટ ઘટાડા સાથે 24,876 પર પહોંચ્યો.
NSE પર માત્ર 288 શેર વધારા સાથે ગ્રિન સિગ્નલમાં ખુલ્યા, 2437 શેર ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ખુલ્યા. 509 શેર 52 અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યા હતાં. આજે પણ રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાઈ જવાની શક્યતા છે. ભારતીય રૂપિયો એક મહિનામાં પહેલી વાર યુએસ ડોલર સામે 91ની સપાટી કુદી ગયો.
ક્યા શેર તૂટ્યા-ક્યા વધ્યા:
આજે ભારતીય શેર બજાર પર શરૂઆતના કારોબારમાં તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ રેડ સિગ્નલમાં કારોબાર આકરી રહ્યા હતા, જેમાં રિયલ્ટી સેક્ટર સૌથી વધુ 2%નો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1-1%નો ઘટાડો નોંધાયો.
શરૂઆતના કારોબારમાં આજે ઇન્ટરગ્લોબ એવિએશન, લાર્સન એન્ડ ટુબ્રો, મારુતિ સુઝુકી, એશિયન પેઇન્ટ્સ અને TMPV ના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો, જ્યારે ONGC, ભારત લેક્ટ્રોનિક્સ અને હિન્દાલ્કોમાં સૌથી વધુ વધારો નોંધાયો.
મધ્યપૂર્વમાં યુદ્ધની અસર એશિયન બજારો પર પણ પડી રહી છે. જાપાનના ઇન્ડેક્સ નિક્કી 225માં લગભગ 2 ટકાનો ઘટાડો નોંધાયો અને ટોપિક્સમાં 2.1 ટકાનો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના બજારો જાહેર રજાના કારણે બંધ રહ્યા હતા.