Sat Sep 05 2026

Logo

ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલમાં તેજી રહેતાં ડૉલર સામે રૂપિયો 16 પૈસા પટકાયો

2026-04-07 19:55:40
Author: રમેશભાઈ ગોહિલ
ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલમાં તેજી રહેતાં ડૉલર સામે રૂપિયો 16 પૈસા પટકાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં મજબૂત વલણ રહેવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 8617.17 કરોડની ચોખ્ખી વેચવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે 17 પૈસા પટકાઈને 93.06 નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીની નાણાંનીતિની સમીક્ષાની બેઠકની ફળશ્રુતિ પૂર્વે ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 92.90ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 93.05ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 93.07 અને ઉપરમાં 92.086 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 16 પૈસાના ઘટાડા સાથે 93.06ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે રિઝર્વ બૅન્કે ગગડતા રૂપિયાને અટકાવવા માટે પગલાં લીધા હોવાથી ગઈકાલે (સોમવારે) રૂપિયામાં 28 પૈસાનો ઉછાળો આવ્યો હતો. 

નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં રિઝર્વ બૅન્કે સટ્ટાને ડામવા માટે બૅન્કોની નેટ ઓપન પોઝિશનની મર્યાદા ઘટાડીને 10 કરોડ ડૉલર કરી હતી. તેમ જ ગત સોમવારથી શરૂ થયેલી રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની ત્રણ દિવસીય નીતિવિષયક બેઠક પર ટ્રેડરોની નજર હોવાથી અમુક અંશે આજે બજારમાં સાવચેતીનું વલણ પણ જોવા મળ્યું હતું.
 
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે વધ્યા મથાળેથી સાધારણ 0.15 ટકાના ઘટાડા સાથે 99.83 આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.59 ટકા વધીને બેરલદીઠ 110.36 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 509.73 પૉઈન્ટ અને 155.40 પૉઈન્ટ વધીને બંધ રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.