(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે આજે પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવમાં વધારો થવાની સાથે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં 2.38 ટકા જેટલા ઉછળી આવ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે વેચવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્ર દરમિયાન એક તબક્કે 21 પૈસા ગબડી ગયો હતો.
જોકે, રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં સંભવિતપણે હસ્તક્ષેપ અને અમેરિકી વહીવટીતંત્રએ પશ્ચિમ એશિયામાં થઈ રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને ભારતીય રિફાઈનરોને 30 દિવસ સુધી રશિયન તેલ ખરીદવા માટે મંજૂરી આપી હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હતું અને સત્રના અંતે 18 પૈસાના ઘટાડા સાથે 91.82ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના 91.64ના બંધ સામે ભાવ ટૂ ભાવ 91.64ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 91.85 અને ઉપરમાં 91.59 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 18 પૈસા ઘટીને 91.82ની સપાટીએ બંધ રહ્યો હતો.
દરમિયાન એએનઝેડનાં ફોરેક્સ સ્ટ્રેટેજિસ્ટ ધીરજ નીમે જણાવ્યું હતું કે જો વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં તીવ્ર વધારો થાય તો ડૉલર સામે રૂપિયો 92.50 સુધી ગબડી શકે છે. તેમ છતાં જો રિઝર્વ બૅન્ક સમયાંતરે બજારમાં મોટી માત્રામાં હસ્તક્ષેપ કરે તો રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહે તેવી શક્યતા પણ નકારી ન શકાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લાંબા સમયગાળા સુધી ભૂરાજકીય તણાવ રહે તો વર્ષના અંત સુધીમાં ડૉલર સામે રૂપિયો 93ની સપાટી સ્પર્શી શકે છે.
આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે 2.38 ટકા વધીને બેરલદીઠ 87.44 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1097 પૉઈન્ટનો અને 315.45 પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો, જ્યારે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3752.52 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.10 ટકા ઘટીને 99.20 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.