Sat Mar 14 2026

Logo

ક્રૂડતેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવતા ડૉલર સામે રૂપિયો 17 પૈસા તૂટીને 91ની પાર...

2 weeks ago
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આંતરરષ્ટ્રીય બજારમાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં 1.64 ટકા જેટલો ઝડપી ઉછાળો આવ્યાના સંકેતો ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો 17 પૈસા તૂટીને 91ની સપાટી કુદાવીને 91.08ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈ રહેતાં અમુક અંશે રૂપિયાને ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.91ના બંધ સામે ભાવ ટૂ ભાવ 90.91ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 91.08 અને ઉપરમાં 90.91ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 17 પૈસા તૂટીને 91.08ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલા ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નકારાત્મક વલણ જોવા મળે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા રૂપિયાની રેન્જ 90.70થી 91.20 આસપાસની રહેશે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.64 ટકા ઉછળીને બેરલદીઠ 71.91 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 961.42 પૉઈન્ટનો અને 317.90 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3465.99 કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો. તેમ છતાં આજે ડૉલર ઈન્ડેક્સ સાધારણ 0.05 ટકા ઘટીને 97.74 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.