નવી દિલ્હીઃ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો હતો. રૂપિયો પણ ઓલટાઈમ લો પર પહોંચ્યો હતો. આજે ભારતીય રૂપિયો ડોલર સામે 93.94ના નવા ઓલટાઈમ લો પર ખૂલ્યો હતો અને પછી વધુ તૂટીને 94ની સપાટીને તોડીને 94.05 પર પહોંચ્યો હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે ક્રૂડની કિંમતમાં ઉછાળો આવતાં ડોલર મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો ધોવાઈ રહ્યો છે. રૂપિયો નબળો પડતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકાના એંધાણ છે.
રૂપિયો નબળો પડવાના કારણ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં આવેલા ઉછાળાના કારણે રૂપિયા પર દબાણ સર્જાયું છે. ભારતમાં ખાડી દેશોથી આવતા ક્રૂડ ઓઈલનો ભાવ 50 ટકાથી વધુ વધી ગયો છે. જેના કારણે આયાત બિલ વધ્યું છે અને ડૉલરની માંગ વધી છે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યુ કે, ભારતીય શેરબજારમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી પણ રૂપિયો નબળો પડ્યો છે. જોખમથી બચવા માટે રોકાણકારો ભારતીય શેરબજારમાંથી રૂપિયા ઉપાડીને સુરક્ષિત વિકલ્પો તરફ જઈ રહ્યા છે.
શું કહે છે એક્સપર્ટ
એક્સપર્ટના કહેવા પ્રમાણે, જો રૂપિયામાં સતત ઘટાડો ચાલુ રહેશે તો આરબીઆઈ હસ્તક્ષેપ કરી છે. જો રૂપિયો આ રીતે ગગડતો રહેશે તો ટૂંક સમયમાં જ 100 પર પહોંચી જશે. જેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
જોકે કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે, પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ પેટ્રોલના ભાવમાં વધારો થવાની શક્યતા ખૂબ ઓછી છે. ચૂંટણી પૂરી થયા બાદ જ ભાવ વધશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક અનિશ્ચિતતા વધી રહી છે. સંઘર્ષના સમયમાં રોકાણકારો તેમનો રૂપિયા અમેરિકન ડોલરમાં લગાવી દે છે. જેના કારણે વૈશ્વિક સ્તરે ડોલર મજબૂત થાય છે અને રૂપિયા જેવી અન્ય કરન્સી નબળી પડે છે. સંઘર્ષ શરૂ થયા બાદ રૂપિયો 3 ટકા ગગડ્યો છે. જે તાજેતરના વર્ષોમાં રૂપિયાનો સૌથી મોટો ઘટાડો છે. તેની અસર માત્ર કરન્સી બજાર પૂરતી મર્યાદીત નથી. રૂપિયો નબળો પડવાથી આયાત મોંઘી થાય છે. જેમાં ઈંધણ, ઈલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક ઈનપુટ સામેલ છે. તેનાથી મોંઘવારી વધી શકે છે અને ઘરેલું ખર્ચા પર પણ અસર પડી શકે છે.
આ ઉપરાંત સૂત્રો મુજબ, રૂપિયા માટે મેક્રો માહોલ હજુ પણ પ્રતિકૂળ છે. જ્યાં સુધી ક્રૂડ ઓઈલની કિંમતો નહીં ઘટે ત્યાં સુધી તેના પર દબાણ રહેવાની સંભાવના છે. જો ક્રૂડ ઓઈલની કિંમત વધતી રહેશે અને ભૂ રાજકીય તણાવ ચાલુ રહેશે તો રૂપિયા વધુ નબળો પડશે અને 100 નજીક પહોંચી શકે છે.