Wed Jun 17 2026

Logo

અબુ ધાબીમાં મિસાઈલનો કાટમાળ પડતા ભારતીય નાગરિકનું મોત: UAEમાં હાઈ એલર્ટ

Dubai   2026-03-26 20:55:39
Author: Mumbai Samachar Team
Article Image

દુબઈઃ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની આગ હવે વિદેશમાં વસતા નિર્દોષ નાગરિકો સુધી પહોંચી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. આકાશમાં જ નષ્ટ કરવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલનો કાટમાળ રહેવાસી વિસ્તારમાં પડતા એક ભારતીય નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાએ અખાતી દેશોમાં રોજગારી માટે ગયેલા લાખો ભારતીયો અને તેમના પરિવારોમાં ચિંતાનું મોજું ફેરવી દીધું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, UAEની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે ઈરાન તરફથી આવતી એક બેલેસ્ટિક મિસાઈલને હવામાં જ સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી હતી. જોકે, આ મિસાઈલના ટુકડા અને કાટમાળ અલ શવામેખ અને સ્વીહાન સ્ટ્રીટ જેવા રહેણાંક વિસ્તારોમાં પડ્યા હતા. 
આ દુર્ઘટનામાં એક ભારતીય અને એક પાકિસ્તાની નાગરિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળ પડવાને કારણે અનેક વાહનો અને મિલકતોને પણ નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે.

રિપોર્ટ્સ મુજબ, આ તાજેતરની ઘટના બાદ UAEમાં થયેલા હુમલામાં કુલ મૃત્યુઆંક વધીને 11 પર પહોંચી ગયો છે. અગાઉ થયેલા હુમલામાં માર્યા ગયેલા 9 લોકોમાં સશસ્ત્ર દળોના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે. 
અત્યાર સુધીમાં આ સંઘર્ષની અસરમાં પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને પેલેસ્ટાઈનના 6 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. અબુ ધાબી સત્તાવાળાઓએ જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.

યુએઈના સંરક્ષણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ કોઈપણ પ્રકારના જોખમનો સામનો કરવા માટે પૂરી રીતે સજ્જ છે. દેશની સાર્વભૌમત્વ, સુરક્ષા અને સ્થિરતા સાથે છેડા કરનારા તત્વોને જડબાતોડ જવાબ આપવામાં આવશે. 
મંત્રાલયે ભારપૂર્વક કહ્યું છે કે રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે તેઓ મજબૂતીથી લડશે અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. હાલમાં સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.