Mon Oct 05 2026

Logo

અમેરિકામાં ભારત જેવા દેશો પર 100% ટેરિફવાળુ બિલ, US હાઉસમા આજે વોટિંગ....જાણો શું છે મામલો

Wasington D.C.   2026-09-16 09:45:00
Author: Mumbai Samachar Team
અમેરિકામાં ભારત જેવા દેશો પર 100% ટેરિફવાળુ બિલ, US હાઉસમા આજે વોટિંગ....જાણો શું છે મામલો

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બાબતે ભારત પર અમેરિકાનું દબાણ ફરી એકવાર વધતું દેખાઈ રહ્યું છે. અમેરિકન પ્રતિનિધિ સભા (હાઉસ ઓફ રિપ્રિઝન્ટેટિવ્સ)માં રશિયા પર પ્રતિબંધ મૂકતા એક મોટા બિલ પર મતદાનની પ્રક્રિયા આગળ વધી ગઈ છે. આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા પાસેથી મોટા પાયે તેલ અને ગેસ ખરીદતા દેશો પર 100 ટકા સુધી ટેરિફ (જકાત) લાદવાનો અધિકાર આપી શકે છે. ભારત પણ એ દેશોમાં સામેલ છે જેના પર આની અસર પડી શકે છે.

આ બિલનું નામ 'લિન્ડસે ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ' છે. અમેરિકન સેનેટ 7 ઓગસ્ટે તેને 86-11 મતોથી પસાર કરી ચૂકી છે. હવે તેને હાઉસ ઓફ રિપ્રિઝન્ટેટિવ્સમાંથી પસાર થવાનું બાકી છે. ત્યારબાદ જ તેને રાષ્ટ્રપતિ પાસે હસ્તાક્ષર (મંજૂરી) માટે મોકલી શકાશે.

ભારતનું નામ સીધું જોડવાની કોશિશ

સિનેટથી પાસ બિલમાં રશિયાના ઓઇલ અને ગેસના સૌથી મોટા ખરીદારોના નામ સીધા નહોતા આપવામાં આવ્યા. તેમાં વોલ્યૂમના આધારે રશિયાના પાંચ સૌથી મોટા તેલ અને ગેસ ખરીદારો પર 100 ટકા ટેરિફ લગાવવાનો અધિકાર આપવાની જોગવાઇ છે.

ભારત પર શું થશે અસર?

જો કાયદો બિલ બને છે અને ટ્રંપ પ્રશાસન ભારત પર આ જોગવાઇને લાગૂ કરે છે તો ભારતથી અમેરિકા જતા સામાન પર 100 ટકા સુધી વધારાનો ટેરિફ લગાવી શકાય છે. જો કે હજુ આ શક્યતા છે. ભારત પર લગાવેલો નવો 100 ટકા ટેરિફ નથી. 

જો કે હાઉસમાં ડેમોક્રેટ સાંસદ સ્ટેની હોયરે એક સંશોધન રજૂ કર્યું, જેમાં ભારત અને ચીન સહિત 10 દેશોના નામ સીધા સામેલ કરવાનો પ્રસ્તાવ હતો. આ યાદીમાં તુર્કિયે, અઝરબૈજાન, હંગેરી, સ્લોવેકિયા, યુએઇ, સિંગાપુર, કઝાકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિક  પણ સામેલ છે. 

જો કે હાઉસમાં એક બીજુ સંશોધન પણ લાવવામાં આવ્યું હતું. જેમાં આ ટેરિફવાળી આખી જોગવાઇને હટાવવાની માંગ કરવામાં આવી. એટલે કે અમેરિકી સંસદમાં આ વાતને લઇને પણ મતભેદ છે કે રાષ્ટ્રપતિને આટલી મોટી ટેરિફ શક્તિ આપવી જોઇએ કે નહીં.

અમેરિકાની એવી દલીલ છે કે રશિયા સાથે થતો તેલનો વેપાર મોસ્કોને યુક્રેન યુદ્ધ માટે આર્થિક મદદ પૂરી પાડે છે. આ જ કારણોસર આ બિલમાં રશિયાના ઉર્જા ઉદ્યોગ, અધિકારીઓ અને પ્રતિબંધોથી બચવામાં મદદ કરનાર 'શેડો ફ્લીટ' (ગુપ્ત જહાજોના કાફલા) વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

ભારત માટે સૌથી મહત્વની વાત એ છે કે હાઉસમાં ભારતનું નામ ઉમેરવાનો પ્રસ્તાવ અને ટેરિફની જોગવાઈ હટાવવાનો પ્રસ્તાવ—બંને ચર્ચામાં આવ્યા છે. તેથી અંતિમ કાયદામાં ભારત માટે શું જોગવાઈ રહે છે, તેનો આધાર હાઉસના મતદાન અને આગળની પ્રક્રિયા પર રહેશે.