Tue Aug 11 2026

Logo

નેપાળી સોયાતેલની આયાત ૧૦ ગણી વધી

2026-03-01 18:54:44
Author: Nilesh Waghela
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 

મુંબઇ: નેપાળની ભારતમાં સોયાબીન તેલની ૨૦૨૫માં નિકાસ દસ ગણી વધીને રેકોર્ડ ટોચે પહોંચી છે. આ બમ્પર ઉછાળા પાછળ ભારતનું ડયુટી-ફ્રી માર્કેટ છે જેનો ફાયદો નેપાળે ભરપૂર ઉઠાવ્યો છે. સોયાતેલની બમ્પર નિકાસના જોરે નેપાળની ભારતમાં કુલ નિકાસ પણ બમણી થઈ ગઈ છે.
સોયાતેલની નિકાસ ૧૦ ગણી વધતા નેપાળની ભારત સાથેની વેપાર ખાધ ઓછી થઈ છે પરંતુ સરહદી વિસ્તારોમાં ખાદ્ય તેલના ભાવ પર દબાણ આવ્યું છે અને આયાત ડયુટી ચૂકવતા ભારતીય રિફાઇનરોને સસ્તા સપ્લાય સામે સ્પર્ધા કરવાનું મુશ્કેલ બન્યું છે. સોયાતેલની ૧ અબજ ડોલરથી વધુની નિકાસને કારણે નેપાળને ૨૦૨૫માં ભારતમાં તેની કુલ માલસામાનની નિકાસ એક વર્ષ પહેલા કરતા બમણી કરીને ૨ અબજ ડોલર કરવામાં મદદ મળી હતી.

ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંકલિત ડેટા અનુસાર ભારતે ૨૦૨૫માં નેપાળથી રેકોર્ડ ૬૯૪,૧૫૩ મેટ્રિક ટન સોયાતેલની આયાત કરી, જે એક વર્ષ પહેલા ૬૫,૧૩૮ ટન હતી. વિશ્વના સૌથી મોટા વનસ્પતિ તેલ આયાતકારે સપ્ટેમ્બર, ૨૦૨૪માં રિફાઇન્ડ સોયાતેલ પર આયાત ડયુટી વધારીને ૩૫.૭૫ ટકા કરી, જે અગાઉ ૧૩.૭૫ ટકા હતી.

નેપાળમાંથી થતી ભારતમાં નિકાસ ડયુટી-મુક્ત છે અને સામે પક્ષે ભારતીય રિફાઇનર્સે ક્રૂડ સોયાઓઇલની આયાત પર ૧૬.૫ ટકા આયાત ડયુટી ચૂકવવી પડે છે .