Fri Sep 04 2026

Logo

ભારતની ઓળખ બદલાઇ, આર્થિક વિકાસમાં સર્વિસ સેક્ટરનું યોગદાન 54 ટકા

2026-07-30 17:53:19
Author: Chandrakant Kanoja
ભારતની ઓળખ બદલાઇ, આર્થિક વિકાસમાં સર્વિસ સેક્ટરનું યોગદાન 54 ટકા

નવી દિલ્હી: ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ પામી રહી છે. તેના વિકાસમાં અનેક ક્ષેત્રોનો ફાળો મહત્વપૂર્ણ છે. જેમાં એક સમયે કૃષિપ્રધાન દેશ તરીકે ઓળખાતા ભારતની ઓળખ હવે બદલાઈ રહી છે. જેમાં દેશના અર્થતંત્રના વિકાસમાં હવે સર્વિસ સેક્ટરનું યોગદાન વધ્યું છે. જેમાં જોઇએ તો જીડીપીના આંકડા મુજબ આર્થિક વિકાસમાં સર્વિસ સેક્ટરનું યોગદાન 54 ટકા છે. 

સર્વિસ સેક્ટરનો હિસ્સો વધીને 53.6 ટકા થયો

ભારતની આર્થિક મોરચે બદલાતી ઓળખ અંગે આર્થિક સર્વેક્ષણ 2025-26 ના ડેટા અનુસાર, ભારતની જીડીપીમાં(GDP)સર્વિસ સેક્ટરનો હિસ્સો વધીને 53.6 ટકા થયો છે. જ્યારે ગ્રોસ વેલ્યુ એડેડ (GVA)માં તેનું યોગદાન 56.4 ટકા સુધી પહોંચી ગયું છે. 

ભારત વૈશ્વિક સર્વિસ હબમાં પરિવર્તિત 

જેમાં આઇટી(IT),બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ્સ, હેલ્થકેર, પર્યટન, ઈ-કોમર્સ અને વ્યાવસાયિક સેવાઓ જેવા ક્ષેત્રોએ ભારતને વૈશ્વિક સર્વિસ હબમાં પરિવર્તિત કર્યું છે. 

ભારતની અડધાથી વધુ આર્થિક પ્રવૃત્તિ હવે સર્વિસ સેક્ટરમાંથી

આ આંકડા પરથી સમજીએ તો ભારતની અડધાથી વધુ આર્થિક પ્રવૃત્તિ હવે સર્વિસ સેક્ટરમાંથી ઉદ્ભવે છે. બેંકિંગ, વીમા, હેલ્થ કેર,શિક્ષણ, ટૂરિઝમ, ઉડ્ડયન, આઇટી, ડિજિટલ ચુકવણીઓ, ઇ-કોમર્સ અને કન્સલ્ટિંગ જેવી સેવાઓ દેશના જીડીપીમાં સૌથી મોટો ફાળો આપે છે. 

ભારતીય સર્વિસ સેકટરનો વૃદ્ધિ દર 9.1 ટકા

ભારતની કુલ જીડીપીમાં સર્વિસ સેક્ટરનું યોગદાન  53.6 ટકા છે. વૈશ્વિક મંદીના ઓછાયા વચ્ચે ભારતીય સર્વિસ સેકટર વાર્ષિક 9.1 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. ભારત વિશ્વના સાતમા સૌથી મોટા નિકાસકાર અને સર્વિસની દ્રષ્ટિએ સાતમા સૌથી મોટા રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. વૈશ્વિક સર્વિસ બિઝનેસમાં ભારતનો હિસ્સો 2005 માં 2 ટકા થી બમણો થઈને 4.3 ટકા થયો છે.