Fri Oct 02 2026

Logo

પ્રવાસીઓ વિના દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેને 'ડચકા ખાધા', હવે દિલ્હી સુધી લંબાવવાની યોજના

2026-09-18 14:24:37
Author: Mumbai Samachar Team
પ્રવાસીઓ વિના દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેને 'ડચકા ખાધા', હવે દિલ્હી સુધી લંબાવવાની યોજના

જિંદ/નવી દિલ્હીઃ દેશમાં જ્યારે પહેલી હાઈડ્રોજન ટ્રેન દોડાવવાની હતી એ સમયે ખૂબ મોટા સ્કેલ પર એને પ્રાથમિકતા આપવામાં આવી હતી. હવે સ્થિતિ એવી છે કે હાલમાં આ ટ્રેનને મર્યાદિત પ્રવાસીઓ મળતા મોટા ભાગની સીટ ખાલી જોવા મળી રહી છે. એવું પણ કહેવાય છે પેસેન્જર નહીં મળતા હવે રેલવેને છેક દિલ્હી સુધી દોડ મૂકવી પડશે, જેમાં રુટ પણ લંબાવવામાં આવશે.

આ એક ટ્રેનની 2600 પ્રવાસીઓની ક્ષમતા છે જેની સામે ટ્રેનમાં માત્ર 40થી 60 જ પ્રવાસીઓ પ્રવાસ કરતા જોવા મળી રહ્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ રેલવે વિભાગે એક મોટો અને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રેલવેએ આ ટ્રેનને એક્સટેન્ડ કરવી પડે એવી સ્થિતિ છે. પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે રેલવે વિભાગે પ્રયાસો શરૂ કરી દીધા છે. 

રેલવે વિભાગનો મોટો નિર્ણય

આ ટ્રેનને દિલ્હી સુધી લાવવાની રેલવે વિભાગની તૈયારીઓ છે. આ ટ્રેન હાલમાં હરિયાણાના જિંદથી સોનિપતની વચ્ચે દોડી રહી છે. હવે દિલ્હીના આઝાદપુર સુધી તેને એક્સટેન્ડ કરવા માટેનો નિર્ણય લેવાઈ રહ્યો છે, જોકે આ ટ્રેનના રસ્તામાં કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ પણ છે. ટ્રેનને લઈ જે પ્રાથમિક યોજના બનાવવામાં આવી હતી એમાં બે ફેરાનું આયોજન હતું. 

રેલવે છેલ્લા બે મહિનાથી આ ટ્રેનનું સંચાલન કરી રહી છે પણ ખાસ કોઈ પ્રવાસી ન મળવાના કારણે કેટલાક આર્થિક પાસાને પણ ફટકો પડી રહ્યો છે. હાલમાં આના ટેકનિકલ પાસા અને સંચાલન માટે એક ખાસ ટીમ કામ કરી રહી છે. હવે જો આને દિલ્હી સુધી લંબાવી દેવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓને ફાયદો થાય અને રેલવેને પણ એક મુસાફરોનો ટ્રાફિક મળી રહે એમ છે. દિલ્હીના આઝાદપુર સુધી ટ્રેનને લંબાવી દેવામાં આવે તો દિલ્હીથી જિંદ સુધી જનારા પ્રવાસીઓને આ ડાયેરેક્ટ ટ્રેન મળી રહે. 

આઝાદપુર જ શા માટે?

આઝાદપુર દિલ્હીનું મુખ્ય સ્ટેશન પૈકીનું એક છે. નજીકમાં એક શાકમાર્કેટ છે, ફ્રૂટ માર્કેટ છે. વિભાગનું એવું માનવું છે કે, જો આ ટ્રેન દિલ્હી સુધી પહોંચે છે તો પ્રવાસીઓને મોટો ફાયદો થશે. શાકભાજી માર્કેટ સુધી આવનારા પ્રવાસીઓને સુવિધા મળશે. હાલમાં વિભાગ આ વિષયને લઈ જુદા જુદા પાસાઓ પર કામ કરી રહ્યો છે. 

રિસર્ચ રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં રહેતા સ્થાનિકોએ પણ આ ટ્રેનને હરિયાણાથી દિલ્હી સુધી લંબાવવા માટેની માગ કરી હતી. ટેકનિકલ પાસાની તપાસ થયા બાદ અંતિમ નિર્ણય લેવાશે અને ટ્રેનનો રૂટ લંબાવી દેવાશે. 

હાલમાં આ પાસું તપાસ હેઠળ છે. 17 જુલાઈના ભારતની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ ટ્રેન સંપૂર્ણ રીતે સ્વદેશી છે. ક્લિન અને સસ્ટેનેબલ ટ્રાંસપોર્ટ ટેક્નોલોજી અંતર્ગત એક મોટું સાહસ હવે સફળ સાબિત થઈ રહ્યું છે. હાઇડ્રોજન-આધારિત રેલ પરિવહન ટેક્નોલોજી પર કામ કરી રહેલા ગણ્યા-ગાંઠ્યા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.

સંખ્યા નવી સમસ્યા નથી

આ રૂટ પર મુસાફરોની ઓછી સંખ્યાની સમસ્યા નવી નથી. રેલવે કર્મચારીઓના જણાવ્યા અનુસાર, હાઇડ્રોજન ટ્રેન અગાઉ આ રૂટ પર ચાલતી DEMU ટ્રેનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘણી ઓછી રહેતી હતી. હાલમાં, હાઇડ્રોજન ટ્રેન ઉપરાંત અન્ય ત્રણ DEMU ટ્રેનો પણ આ રૂટ પર દોડે છે, તેમ છતાં તેમાં પણ ભારે ભીડ જોવા મળતી નથી. રેલવે કર્મચારીઓનું કહેવું છે કે જીંદ અને સોનિપત વચ્ચે મુસાફરી કરતા દૈનિક ઓફિસ-જનારાઓ અને ઔદ્યોગિક કામદારોની સંખ્યા ઓછી છે, પરિણામે ટ્રેનો પૂરતી સંખ્યામાં મુસાફરોને આકર્ષવામાં મુશ્કેલી અનુભવે છે. 

ટ્રેનના રૂટને દિલ્હી સુધી લંબાવવામાં પડકારો મોટા છે. આ હાઇડ્રોજન ટ્રેન 10 કોચની બનેલી છે અને તેમાં અંદાજે 2,600 મુસાફરોની બેઠક ક્ષમતા છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર દિલ્હી આવતી-જતી ટ્રેનોમાં સામાન્ય રીતે મુસાફરોની વધુ સંખ્યાને સમાવવા માટે 18થી 20 કોચ અથવા તેનાથી પણ વધુની જરૂર પડે છે. દિલ્હીનું વ્યસ્ત રેલ નેટવર્ક પહેલેથી જ ટ્રેનોની ભારે અવરજવર સંભાળી રહ્યું છે, જેના કારણે નવી ટ્રેન માટે ટ્રેકની ઉપલબ્ધતા અને સમયપત્રકમાં સ્લોટ મેળવવો પડકારજનક બની રહે છે.