Sat Aug 29 2026

Logo

ચીનની ‘પાંડા ડિપ્લોમસી’ને ભારતનો જવાબ; UN જીનિવાને ભેટમાં આપ્યા 5 મોર, જાણો ખાસિયત

Geneva   2026-08-08 19:37:00
Author: Vimal Prajapati
ચીનની ‘પાંડા ડિપ્લોમસી’ને ભારતનો જવાબ; UN જીનિવાને ભેટમાં આપ્યા 5 મોર, જાણો ખાસિયત

UN


જીનિવા: સ્વિટ્ઝરલેન્ડના જીનિવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર (UN) ના 'પેલેસ ઓફ નેશન્સ' પરિસરમાં ભારત તરફથી એક અનોખી અને સુંદર ભેટ મોકલવામાં આવી છે. ભારત સરકાર દ્વારા યુએન જીનિવા કાર્યાલયને 5 નવા યુવાન મોર ભેટ તરીકે આપવામાં આવ્યા છે. ભારત અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચેના દાયકાઓ જૂના સંબંધો અને પરંપરાને આગળ ધપાવવાના હેતુથી આ કદમ ઉઠાવાયું છે.

સંયુક્ત રાષ્ટ્ર મિશને એક્સ પર કરી ખાસ પોસ્ટ

જીનિવા સ્થિત ભારતના સંયુક્ત રાષ્ટ્ર મિશને આ વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘ભાગીદારીનો વધુ એક નવો આયામ. ભારતે UN જીનિવાને 5 યુવાન મોર ભેટમાં આપ્યા છે. રાષ્ટ્રીય પક્ષી હોવાના નાતે મોર દરેક ભારતીયના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે’.

ચીનની 'પાંડા ડિપ્લોમસી' જેવો જ ભારતનો પ્રયાસ

સંયુક્ત રાષ્ટ્ર જીનિવાએ પણ ભારતની આ ભેટનું સ્વાગત કર્યું છે. UN જીનિવાએ પોસ્ટમાં લખ્યું કે, ‘ચીનની પાંડા ડિપ્લોમસીને ભૂલી જાવ, હવે UN જીનિવામાં 5 નવા યુવાન મોર આવી પહોંચ્યા છે. આ ભારત તરફથી આપેલી ભેટ છે, જે સંયુક્ત રાષ્ટ્ર કરતાં પણ જૂની પરંપરાને જીવંત રાખે છે. જીનિવાના આ સૌથી નવા અને ભવ્ય 'રાજદૂતો'ને મળો’.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ 5 મોરમાં 4 સામાન્ય નીલા રંગના અને 1 અત્યંત દુર્લભ સફેદ રંગનો નર મોર છે. જીનિવા પરિસરમાં મોરની વસ્તી ઘટીને માત્ર એક જ રહી ગઈ હતી, જેને પુનઃજીવિત કરવા માટે આ ભેટ આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે નીલો અને સફેદ રંગ સંયુક્ત રાષ્ટ્રના સત્તાવાર રંગો સાથે પણ મેળ ખાય છે.

આ મોરને જીનિવા કેવી રીતે પહોંચાડવામાં આવ્યાં?

આ મોરને સુરક્ષિત રીતે જીનિવા પહોંચાડવા માટે ખાસ તબીબી સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જીનિવા બાયોપાર્કના વેટરનરી ડોક્ટર ટોબિયાસ બ્લાહાના જણાવ્યા મુજબ, યુએન પરિસર મોરના રહેઠાણ માટે ખૂબ અનુકૂળ છે. આ પાંચેય મોર ચાલુ વર્ષે જ જન્મેલા યુવાન નર મોર છે. સાથે ઉછર્યા હોવાને કારણે તેઓ વચ્ચે આક્રમકતા નહીં રહે અને શાંતિથી રહેશે તેવું પણ જાણવા મળ્યું છે. 

3 મહિના સુધી ખાસ રાખવામાં આવશે

હાલમાં આ નવા મહેમાનોને એરિયાના પાર્કમાં તૈયાર કરાયેલા એક વિશાળ અસ્થાયી પક્ષીઘરમાં રાખવામાં આવ્યા છે, જેથી તેઓ સ્થાનિક વાતાવરણમાં સેટ થઈ શકે. લગભગ 3 મહિનાના સમયગાળા બાદ તેમને પરિસરમાં ખુલ્લામાં ફરવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, નિષ્ણાતો માટે એક મોટો પડકાર સ્થાનિક શિયાળથી આ મોરનું રક્ષણ કરવાનો રહેશે. શરૂઆતના દિવસોમાં તેમની સુરક્ષા પર ખાસ નજર રાખવામાં આવશે.