Thu Apr 23 2026

Logo

ભારત અને જર્મની વચ્ચે ₹ 75,000 કરોડની સબમરીન ડીલ: નૌસેનાની તાકાતમાં થશે જબરદસ્ત વધારો

2026-04-23 19:09:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી/ બર્લિનઃ ભારત અને જર્મની વચ્ચે રક્ષા ક્ષેત્રે એક મોટી ડીલ થવા જઈ રહી છે. આ ડીલ બાદ ભારતની સૈન્યશક્તિમાં નોંધપાત્ર વધારો થશે. આશરે 8 અબજ ડૉલર એટલે કે, 75,272 કરોડ રૂપિયાની ડીલ થવાની છે. આગામી 90 દિવસમાં આ અંગે એક ફાઈનલ નિર્ણય લેવાઈ શકે છે, જોકે આ અંગે કેટલીક તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જર્મનીના રક્ષામંત્રી બોરિસ પિસ્ટોરિયસે બુધવારે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે અનેક વિષયોને લઈને વાતચીત થઈ હતી, એમાંથી આ વાત સામે આવી રહી છે. 

છ એડવાન્સ સબમરીન થશે તૈયાર

આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતમાં છ એડવાન્સ સબમરીન તૈયાર કરવામાં આવશે. ભારત સરકાર હાલમાં આ એગ્રીમેન્ટને અંતિમ રૂપ આપવા માટે પ્રયાસ કરી રહી છે. આ માટે કેટલાક જરૂરી પગલાં લેવાના પણ શરૂ થઈ ચૂક્યા છે. રાજનાથસિંહ હાલમાં ત્રણ દિવસ જર્મની દેશની યાત્રાએ છે. ભારત અને જર્મની વચ્ચે સબમરીન ડીન ફાઈનલ થવાની છે. ભારત અને જર્મની વચ્ચે આ સમજૂતી ડિફેન્સ સેક્ટરમાં એક નવો ઈતિહાસ રચશે. આશરે 8 અબજ ડૉલરની સબમરીન ડીલથી દેશની સૈન્યશક્તિમાં વધારો થશે. જર્મનીના કિલ સિટીમાં રાજનાથસિંહ અને બોરિસ પિસ્ટોરિયસ વચ્ચે મુલાકાત થઈ હતી, જેમાં એવો ભરોસો વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, આગામી ત્રણ મહિનામાં આ ડીલ પર હસ્તાક્ષર થઈ જશે. 

પહેલીવાર યુરોપ સિવાયના રાષ્ટ્રને મદદ

આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે જર્મની પોતાની સબમરીન ટેક્નોલોજી કોઈ યુરોપ સિવાયના દેશને ટ્રાંસફર કરી દેશે. આ ડીલને લઈને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ અને વડા પ્રધાન મોદી વચ્ચે અગાઉ પણ વાતચીત થઈ ચૂકી હતી. આ મેગા પ્રોજેક્ટ અંતર્ગત કુલ 6 સબમરીનનું નિર્માણ થશે. આ માટે જર્મનીની દિગ્ગજ કંપની થિસેનક્રુપ મરીન સિસ્ટમ અને ભારતની સરકારી કંપની મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ સાથે મળીને કામ કરશે. રક્ષામંત્રી રાજનાથસિંહે કિલમાં સ્થિત આ શિપયાર્ડ કંપનીની મુલાકાત કરી હતી. 212 ક્લાસ ટાઈપની સબમરીનના વર્કિંગ મોડલ અને તેની ક્ષમતાઓની પણ જાણકારી મેળવી.

સંયુક્ત ટ્રેનિંગ પ્રોગ્રામ થશે

આ સબમરીન પોતાની સાયલન્ટ મારક ક્ષમતા, ઑપરેટિંગ ક્ષમતા તથા કોમ્બેટ માટે સમગ્ર દુનિયામાં જાણીતી છે. આ સબમરીન ભારતીય નૌસેનામાં સામેલ થતા દરિયાની સુરક્ષા વધારે શક્તિશાળી બની રહેશે. આ માત્ર એક સબમરીન નથી, બન્ને દેશ વચ્ચે ડીફેન્સ ઈન્ડસ્ટ્રીયલ કૉ-ઑપરેશન રેડમેપની એક ઉત્તમ સાઈન છે, જેનો હેતુ ડિફેન્સ ઈક્વિપિમેન્ટની સાથે મળી વિકાસ કરવાનો અને વધુ ઉત્પાદન કરવાનો છે. 

ભારત અને જર્મની વચ્ચે હાઈટેક ટેક્નોલોજી પર કામ થશે. આ માટે એક સંયુક્ત ટ્રેનિંગ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં કેપેસિટી બિલ્ડિંગ જેવા મહત્ત્વના વિષયનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનની તાલિમ માટે પણ એક સમજૂતી થયેલી છે. 

આત્મનિર્ભર ભારતને વેગ મળશે

રાજનાથ સિંહે બર્લિનમાં ગ્લોબલ સુરક્ષા માટે કેટલાક પડકારો અંગે પણ વિસ્તારથી ચર્ચા-વિચારણા કરી છે. હિન્દ મહાસાગરમાં વધી રહેલી મુશ્કેલીઓને ધ્યાને લઈને ભારત પોતાની અંડરવોટર શક્તિ વધારે એ અનિવાર્ય છે. હાલમાં ભારતની સબમરીનને ફ્લીટ અપડેટ કરવી જરૂરી છે. જર્મની સાથે આ ડીલ આ જ અભાવને દૂર કરશે અને સૈન્યને વધુ તાકાતવર બનાવી દેશે. 

આ સમજૂતી ન માત્ર ભારતની સુરક્ષાને મજબૂત કરશે પણ ડીફેન્સ ક્ષેત્રના ઉત્પાદનમાં પણ મેક ઈન ઈન્ડિયાને વેગ આપશે. બન્ને દેશ વચ્ચે સૈન્ય સંબંધ વિકસશે અને રણનીતિ અનુસારની સમજૂતી એક મોટો આધાર બની રહેશે.  આનાથી ભારતની અન્ય દેશ પર સૈન્ય ઉપકરણોને લઈ નિર્ભરતા ઘટી જશે. સ્વદેશી ટેક્નોલોજીનું ઘણ આંગણે નિર્માણ કરવામાં પણ મદદ મળી રહેશે.