નવી દિલ્હીઃ દેશમાં કોલસાનો વિક્રમજનક સ્ટોક અને ભાવમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું હોવાથી ગત ફેબ્રુઆરી મહિનામાં દેશમાં કોલસાની આયાત 8.50 ટકા ઘટીને 1.655 કરોડ ટનની સપાટીએ રહી હતી. આમ એકંદરે ખનનકર્તાઓ પાસે પર્યાપ્ત સ્ટોક રહેતાં કોલસાની આયાતમાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યું હતું. સ્થાનિકમાં કોલસાનો સ્ટોક વિક્રમ સપાટીએ રહેવાની સાથે સ્થાનિકમાં કોલસાના ભાવમાં મક્કમ વલણ રહ્યું હોવાથી થર્મલ કોલની આયાતમાં ઘટાડો થયો છે. સ્થાનિક ખનનકર્તા કંપનીઓ પાસે પર્યાપ્ત સ્ટોક રહ્યો હોવાથી વર્તમાન મહિનામાં પણ આયાતમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા એમ જંક્શન સર્વિસીસનાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિનય વર્માએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે એમ જંક્શન સર્વિસીસ એ ટાટા સ્ટીલ અને સ્ટીલ ઑથોરિટી ઑફ ઈન્ડિયાનું સંયુક્ત બી ટૂ બી ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. એમ જંક્શનની આંકડાકીય માહિતી અનુસાર ગત ફેબ્રુઆરી 2025માં દેશની કોલસાની આયાત 1.810 કરોડ ટનની સપાટીએ રહી હતી અને ગત ફેબ્રુઆરી, 2026માં આયાત 1.655 કરોડ ટનની સપાટીએ રહી હતી, જ્યારે આગલા જાન્યુઆરી, 2026માં આયાત 1.664 કરોડ ટનની સપાટીએ રહી હતી. વધુમાં ગત ફેબ્રુઆરીમાં થયેલી કોલસાની કુલ આયાતમાં નોન કોકિંગ કોલની આયાત 98 લાખ ટન (1.108 કરોડ ટન)ની અને કોકિંગ કોલની આયાત 39.2 લાખ ટન (39.2 લાખ ટન)ની થઈ હતી. તેમ જ ગત નાણાકીય વર્ષ 2025-26માં એપ્રિલથી ફેબ્રુઆરી સુધીમાં નોન કોકિંગ કોલની આયાત ગત સાલના સમાનગાળાના 15.226 કરોડ ટન સામે ઘટીને 13.760 કરોડ ટન અને કોકિંગ કોલની આયાત ગત સાલના સમાનગાળાના 4.962 કરોડ ટન સામે વધીને 5.421 કરોડ ટનની સપાટીએ રહી હતી.
એમ જંક્શનના જણાવ્યાનુસાર ગત મંગળવારના રોજ દેશના થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક 5.5 કરોડ ટનની સંતોષજનક સપાટીએ રહ્યો હતો, જે દેશની છેલ્લા સાત દિવસની દૈનિક સરેરાશ વપરાશી માગની સમકક્ષ 24 દિવસ સુધી વિના વિક્ષેપ ઊર્જા ઉત્પાદન કરી શકે તેટલો પર્યાપ્ત સ્ટોક છે. સ્ટોકનું આ સ્તર ઊર્જા ઉત્પાદનની દૃષ્ટિએ સંપૂર્ણપણે શૂન્ય ખાધનો નિર્દેશ આપે છે, એમ કોલસા ખાતાના સંયુક્ત સચિવ સંજીવ કુમાર કસ્સીએ જણાવ્યું હતું.