Fri Aug 28 2026

Logo

ઊર્જાની આવશ્યકતામાં વધારો થતાં કોલસાની માગ વધશે

2026-02-22 19:04:35
Author: Ramesh Gohil
ઊર્જાની આવશ્યકતામાં વધારો થતાં કોલસાની માગ વધશે

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષના આરંભમાં કોલસાની માગ નબળી રહ્યા બાદ હવે આગામી દિવસોમાં દેશમાં ઈલેક્ટ્રિસીટીના વપરાશમાં તીવ્ર વધારો થતાં કોલસાની માગ પણ વધે તેવી શક્યતા ઉદ્યોગના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. 

સેઈલ અને ટાટા સ્ટીલના સંયુક્ત સાહસના બીટૂબી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ધરાવતી એમ જંક્શન સર્વિસીસ લિ.નાં મેનેજિંગ ડિરેક્ટર વિનય વર્માએ જણાવ્યું હતું કે ગત ઑક્ટોબર અને નવેમ્બર મહિનામાં નકારાત્મક વૃદ્ધિદર જોવા મળ્યા બાદ ડિસેમ્બર મહિનામાં પાવરની માગમાં 6.3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. 

વધુમાં જાન્યુઆરી મહિનામાં પણ ખાસ કરીને આકરો શિયાળો અને ઔદ્યોગિક પ્રવૃત્તિ વધતાં ડિસેમ્બર મહિનામાં જોવા મળેલી માગ વૃદ્ધિ જળવાઈ રહી હોવાથી અમારું માનવું છે કે આગામી દિવસોમાં માગ જળવાઈ રહેશે. નોંધનીય બાબત એ છે કે દેશમાં કોલસા ક્ષેત્રે એક અબજ ડૉલરના ઉત્પાદનનો સીમાચિહ્નરૂપ લક્ષ્યાંક હાંસલ કરવાની સાથે આશ્ચર્યજનક રીતે માગમાં ઘટાડો થયો હોવાથી મોટી જાહેર ક્ષેત્રની કંપનીઓ અને કોમર્શિયલ ધોરણે ખનન કરતાં નવાં એકમો માગની અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા વિસ્તરણ અંગે પુનર્વિચાર કરતાં થઈ ગયા છે. 

આ પડકારોને પરિપ્રેક્ષ્યમાં રાખીને એમ જંક્શને કોલકતા ખાતે આગામી 24-25 ફેબ્રુઆરીના રોજ 19મી ઈન્ડિયન કોલ માર્કેટ્સ કોન્ફરન્સ કોલોસ્યીમઃકોલ બેટલગ્રાઉન્ડનું આયોજન કર્યું છે. આ પરિસંવાદમાં કોલસા, પાવર, સિમેન્ટ, સ્પોન્જ આયર્ન, સ્ટીલ, ટ્રેડિંગ, એક્સચેન્જ અને પરિવહન ક્ષેત્રના ટોચના 36 પ્રવક્તાઓ વિવિધ મુદ્દાઓ પર સંબોધન કરશે તેમ જ દેશનાં કોલસા અને પાવર ક્ષેત્રનાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.