નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે કોરોના અને સરહદી તણાવ બાદ વર્ષ 2020થી સિક્કિમના નાથુ લા પાસ અને હિમાચલ પ્રદેશના શિપકી લા પાસથી વેપાર બંધ કરવામાં આવ્યો હતો. જે છ વર્ષના લાંબા સમયગાળા બાદ પુન : શરૂ કરવામાં આવ્યો છે.
સિક્કિમના નાથુ લા ખાતે ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ યોજાયો
આ અંગે પૂર્વ સિક્કિમના નાથુ લા ખાતે બંને દેશોના અધિકારીઓની હાજરીમાં ઔપચારિક ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સિક્કિમના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના સચિવ કર્મા ડી. યુત્સોએ જણાવ્યું હતું કે વર્તમાન દ્વિપક્ષીય વેપાર વ્યવસ્થા હેઠળ આ મોસમી વેપાર સોમવારથી ગુરુવાર સુધી નવેમ્બર સુધી સાપ્તાહિક રીતે થશે.
NATHU LA PASS IS OPEN AGAIN. 🇮🇳🇨🇳
— Sumit Kapoor (@moneygurusumit) August 2, 2026
After a six-year suspension, India and China have resumed border trade through the strategic Himalayan route.
A significant milestone for bilateral commerce. pic.twitter.com/BEQS3WwpCA
38 નોંધાયેલા વેપારીઓને વેપાર પાસ અપાયો
તેમણે કહ્યું, આ વર્ષે 38 નોંધાયેલા વેપારીઓને વેપાર પાસ આપવામાં આવ્યા છે. આ માર્ગ દ્વારા વેપારમાં હસ્તકલા, હાથવણાટ ઉત્પાદનો, પરંપરાગત ધાર્મિક સામગ્રી, તૈયાર વસ્ત્રો અને અન્ય માન્ય માલ સહિત 36 સૂચિત વસ્તુઓનો સમાવેશ થશે.
સુરક્ષા માટે મહિલા ITBP પ્લાટૂન પણ તૈનાત
તેમજ આ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા પર સઘન કરવામાં આવી છે.જેમાં ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસાર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહી છે. જેમાં નાથુ લા ખાતે મહિલા ITBP પ્લાટૂન પણ તૈનાત કરવામાં આવી છે.
મે થી નવેમ્બર દરમિયાન વેપાર
ભારત અને ચીન વચ્ચે 1962ના યુદ્ધ બાદ નાથુ લા પાસ બંધ કરવામાં આવ્યો હતો પરંતુ ચાર દાયકાથી વધુ સમયના અંતરાલ પછી 2006માં સરહદી વેપાર માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો.આ બંને દેશો વચ્ચેના નિયુક્ત સરહદી વેપાર બિંદુઓમાંનું એક છે અને સામાન્ય રીતે ત્યાં વાર્ષિક મે થી નવેમ્બર દરમિયાન વેપાર થાય છે.