Fri Aug 14 2026

Logo

સંસદના ચોમાસું સત્રમાં ચર્ચા વિના પસાર થયા 5 બિલ

2026-08-05 22:43:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્રમાં વિપક્ષના સતત હંગામાને કાર્યવાહી ખોરવાઈ રહી છે. જેમાં 20 જુલાઈના રોજ ચોમાસુ સત્ર શરૂ થયા બાદ  લોકસભામાં એક પણ 'પ્રશ્નકાળ' પૂર્ણ થયો નથી. જોકે, આ દરમિયાન પાંચ બિલ કોઈપણ ચર્ચા વિના પસાર થઈ ગયા છે.

સંસદમાં વિપક્ષના વિરોધ અને હલ્લાબોલ વચ્ચે પાંચ બિલ પાસ થઈ ગયાં છે. કેન્દ્ર સરકાર હોબાળા અને વિરોધ વચ્ચે લોકસભામાં પાંચ બિલ પસાર કરવામાં સફળ રહી છે. વિગતે વાત કરવામાં આવે તો ‘પેપર લીક વિરોધી બીલ’ વિપક્ષના સહયોગ સાથે પાસ થયું હતું. ‘વંદે માતરમ્ કાનૂની સંરક્ષણ બિલ’ પર ડીએમકેને છોડીને દરેક વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કરી દીધું હતું. તે પછી ‘વિનિયોગ બિલ’ વિપક્ષના હોબાળા વચ્ચે પસાર કરવામાં આવ્યું હતું. આ સાથે ‘સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા’ માટેનું બિલ અને તેની સાથે સાથે ‘જન્મ અને મૃત્યુ નોંધણી સંશોધન બિલ’ પણ વિપક્ષના હલ્લાબોલ વચ્ચે પાસ થઈ ગયું છે. 

બુધવારે હોબાળો ચાલુ રહ્યો હતો 

બુધવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને તેમની બેઠકો પર પાછા ફરવા અને 'પ્રશ્નકાળ' ચાલુ રાખવા વિનંતી કરી હતી. જોકે હોબાળો ચાલુ જ રહ્યો હતો. જેની બાદ ગૃહને સ્થગિત કરવામાં આવ્યું હતું. 

સૂત્રોચ્ચાર ગૃહની ગરિમાને નબળી પાડી રહ્યા છે

ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને જણાવ્યું હતું કે ગૃહની અંદર હોય કે બહાર, સૂત્રોચ્ચાર લોકશાહી માટે સારા નથી. તેમણે કહ્યું કે પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને અને સૂત્રોચ્ચાર કરીને  તેઓ ગૃહની ગરિમાને નબળી પાડી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઘણા સાંસદોએ ચિંતા વ્યક્ત કરી છે કે વારંવાર વિક્ષેપોને કારણે મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછી શકાતા નથી. 

રિજિજુએ રાહુલ ગાંધી સાથે બેઠક કરી 

આ વચ્ચે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. રિજિજુએ રાહુલ ગાંધી સાથે તેમના સંસદ કાર્યાલયમાં લગભગ 50 મિનિટ સુધી મુલાકાત કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો હતો. આ ચર્ચાઓ ચાલુ સંસદીય ગતિરોધ અને પ્રસ્તાવિત સીમાંકન બિલ પર કેન્દ્રિત હતી. 

અમિત શાહ વિદેશી યોગદાન સુધારા બિલ પર બોલી શકે છે 

જેમાં  રિજિજુએ વાતચીત દરમિયાન સીમાંકન બિલ પર વિપક્ષના વલણને સમજવાનો પ્રયાસ કર્યો હતો. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસ પછી યોજાનારા સંસદના ખાસ સત્ર દરમિયાન સીમાંકન બિલ અથવા મહિલા અનામત સુધારા બિલ રજૂ કરવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ, 2026 પર બોલી શકે છે.