Wed Aug 19 2026

Logo

સ્વતંત્રતા દિવસની તૈયારીને લઈ દિલ્હીમાં આજથી હાઈ એલર્ટ, જાણો સુરક્ષા માટે કેવી છે તૈયારી?

2026-08-06 12:26:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ભારતનો સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે, 15 ઓગસ્ટના દિવસે દિલ્હીમાં મોટા કાર્યક્રમનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો અને ખાલિસ્તાની તત્વોના કારણે આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં 24 હજાર જેટલા મહેમાનો આવતા હોય છે. જેથી સુરક્ષાના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

સુરક્ષા માટે 12 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત

વિગતે વાત કરવામાં આવે તો, સ્વંતંત્રતા દિવસે લાલ કિલ્લા પર પીએમ મોદીના કાર્યક્રમની સુરક્ષા કરવા માટે 12 હજારથી વધારે દિલ્હી પોલીસના કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. દિલ્હી પોલીસ સાથે અનેક સુરક્ષા એજન્સીઓ પર સતર્ક રહેશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે લાલ કિસ્સો અને તેની આસપાસના વિસ્તારમાં 1000થી પણ વધારે એઆઈ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ દરમિયાન એઆઈ વીડિયો એનાલિટિક્સ દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ કરીને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. 

દિલ્હી પોલીસે વાહનોની તપાસ શરૂ કરી દીધી

સુરક્ષા પગલાંમાં QRTs, SWAT કમાન્ડો, સ્નાઈપર્સ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડનો સમાવેશ થશે. સ્વતંત્રતા દિવસની તૈયારીને લઈને દિલ્હી પોલીસ દ્વારા વાહનોની ચકાસણી કરવામાં આવશે અને સતત નજર રાખવામાં આવશે. ખાસ કરીને અત્યારે સરકારી વિસ્તાર, સંવેદનશીલ વિસ્તાર, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની કચાસ રાખવામાં આવી નથી. સ્વતંત્રતા દિવસ દિલ્હીને અભેદ કિલ્લામાં ફેરવી દેવામાં આવશે. 

દિલ્હીની સુરક્ષા વધારી દેવામાં આવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરવાના છે. આ દરમિયાન રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની સાથે સાથે અન્ય પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેથી આ કાર્યક્રમ દરમિયાન કોઈ અઘટિત ઘટના ના બને તે માટે દિલ્હીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અત્યારે એજન્સીઓ આ જ કામમાં લાગેલી છે. આ વિસ્તારની આસપાસ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાશે તો પોલીસ દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવશે.