Sun Sep 06 2026

Logo

IND vs PAK: કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમની પીચ કેવી રહશે? જાણો મેદાનના રેકોર્ડ વિષે

Colombo   2026-02-15 09:48:30
Author: Savan Zalariya
IND vs PAK: કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમની પીચ કેવી રહશે? જાણો મેદાનના રેકોર્ડ વિષે

કોલંબો: આજે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં બે કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાવાનો છે, જેની ક્રિકેટ ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ શ્રીલંકાના કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે. ભારત T20I ફોર્મેટ પાકિસ્તાન સામે પોતાનો મજબુત રેકોર્ડ જાળવી રાખવા પ્રયાસ કરશે, જ્યારે પાકિસ્તાન ભારત સામે અગાઉની હારનો બદલો લેવા પ્રયાસ કરશે. મેચનાં પરિણામમાં આર. પ્રેમદાસા સ્ટેડિયમની પીચ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આજની મેચ આર. પ્રેમદાસા સ્ટેડિયમની એ જ પીચ પર રમાશે, જેના પર 13 ફેબ્રુઆરીના રોજ ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી, ઝિમ્બાબ્વેએ મોટો ઉલટફેર સર્જીને મેચ 23 રનથી જીતી હતી.

સ્પિનર્સનો દબદબો રહેશે! 
અહેવાલ મુજબ સામાન્ય રીતે આર. પ્રેમદાસા સ્ટેડિયમની પીચથી સ્પિનર્સને મદદ મળે છે. અહીંની પીચ સામાન્ય રીતે ધીમી રમે છે, જેથી બેટર્સને સંભાળીને રમવું પડે છે. અહીં સ્પિનર્સ સામે બેટર્સને મોટા શોટ રમવા મુશ્કેલ રહે છે. આ ટુર્નામેન્ટમાં આ પીચ પર મેચો રમાઈ ચુકી છે, માટે સ્પીનર્સને વધુ મદદ મળશે. 

મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં, પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન અલી આગાએ પણ કહ્યું હતું કે આ પીચ પર સ્પિનરોનું પ્રભુત્વ રહી શકે છે.

આ સ્પિનર્સ મહત્વની ભૂમિકા ભજવી શકે છે: 
પાકિસ્તાન તેના સ્પિનર્સ અબરાર અહમદ, ઉસ્માન તારિક, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન અને સૈમ અયુબનો ઉપયોગ કરી શકે છે, જે ભારતની વિસ્ફોટક બેટિંગ લાઇન-અપ સામે મુશ્કેલી ઉભી કરી શકે છે. ભારત વરુણ ચક્રવર્તીને સાથ આપવા માટે વોશિંગ્ટન સુંદર અથવા કુલદીપ યાદવમાંથી કોઈ એકને આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરશે. આ ઉપરાંત અક્ષર પટેલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. 

સ્ટેડિયમનો રેકોર્ડ:
આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 51 T20I મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરતી ટીમે 22 મેચમાં જીત મેળવી છે, જ્યારે રન ચેઝ કરતી ટીમે 28 મેચમાં જીત મેળવી છે, આ સ્ટેડીયમમાં સરેરાશ પ્રથમ ઇનિંગનો એવરેજ સ્કોર 152 રન છે. આજે પણ એક લો સ્કોરિંગ રસપ્રદ મેચ જોવા મળી શકે છે. 

ટોસ જીતીને શું કરવું જોઈએ?
આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન બંનેએ અત્યાર સુધીમાં બે-બે મેચ રમી છે, બંને ટીમોએ બે-બે મેચ જીતી છે. આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026 ની કુલ ત્રણ મેચ રમાઈ છે, જેમાંથી બે દિવસ દરમિયાન અને એક સાંજે રમાઈ હતી. ત્રણેય મેચ પહેલા બેટિંગ કરતી ટીમે જીતી છે, જે દર્શાવે છે કે અહીં રન ચેઝ મુશ્કેલ રહે છે, માટે આજે ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.